વેજલપુરના કાકણ ફળિયામાં જન્મ દિવસે 2 વર્ષિય બાળક અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જતાં ડુબી જવાથી મોત

  • જન્મ દિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ

કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામે જન્મદિવસે 2 વર્ષિય બાળકના ધરના સભ્યો જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા દરમિયાન બાળક રમતુ રમતુ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જતાં મોત નીપજવા પામ્યુ હતુ. જન્મદિવસે બાળકના મોતના પગલે પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાકણ ફળિયામાં રહેતા દિલીપભાઈ રાજેશભાઈ ભરવાડના 2 વર્ષિય પુત્ર સિદ્ધાર્થનો જન્મદિવસ હતો. સાંજના સમયે પરિવારજનો જન્મદિવસની ઉજવણીની તૈયારીમાં લાગેલ હતો દરમિયાન કામમાં વ્યસ્ત 5રિવારજનોનુ ઘ્યાન 2 વર્ષિય બાળક સિદ્ધાર્થ ઉપર પડી હતી દરમિયાન બાળક રમતુ રમતુ ધરની ઓસરીમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા પાસે જતુ રહ્યુ હતુ. અને અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા ઉપર મુકેલ લાકડા પાટીયા બરાબર ગોઠવેલ ન હતા અને આગળ પાછળ હતા જેને લઈ બાળક રમતુ રમતુ પાણીના ટાંકામાં પડી ગયુ હતુ. પરિવારજનો કામમાંથી પરવારી સિદ્ધાર્થને શોધખોળ કરતા 2 વર્ષિય બાળક પાણીના ટાંકા પડી ગયેલ જોવા મળતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી. જે બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા તેને ગુમાવી દેતા પરિવારજનોમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.