કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર હાઈવે સ્થિત કાનોડ ચોકડી પાસે સ્થાપિત થયેલ કેન્દ્રિય નવોદય વિઘાલયમાં ત્રણ મહિના પુર્વે કોઈ અજાણ્યા શખ્સોએ વિઘાલયના કેમ્પસમાં ધુસીને જનરેટર રૂમમાંથી રૂ.41,500/-નો સરસામાન ચોરી જતાં ચકચાર મચી જવા પામી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નવોદય વિઘાલયના આચાર્ય ડો.પ્રિયરંજન સિંઘે દાખલ કરેલ ફરિયાદ અનુસાર, વિશાળ કેમ્પસમાં આવેલી નવોદય વિઘાલય અને હોસ્ટેલની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવેલ છે. સમગ્ર કેમ્પસની સિકયુરિટી માટે છ સિકયુટિરી ગાર્ડ રાખેલ છે. તદ્ઉપરાંત શાળાના કમ્પાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ કુલ 64 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે. તેમ છતાં સ્કુલના મેઈન ગેટની જમણી બાજુના કમ્પાઉન્ડની દિવાલને અડીને આવેલા પાવર જનરેટર રૂમને સ્કુલના ઈલેકટ્રીશીયન કમ પ્લમ્બર તરીકે ભરતભાઈ સોમાભાઈ બરજોડે પાવર જનરેટર રૂમ બંધ કરી ધરે ગયા પછી બીજા સવારે આઠેક વાગ્યાની આસપાસ જનરેટર રૂમના શટરનુ તાળુ તુટેલુ હોવાનુ જોવા મળતા આચાર્યએ સ્કુલના સ્ટાફ સાથે ધટના સ્થળે પહોંચી જોતા જનરેટર રૂમના શટરનુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. જેથી રાત્રિના સુમારે ચોરી થઈ હોવાના અનુમાન સાથે ભરતભાઈએ રૂમમાં રાખવામાં આવેલ ઈલેકટ્રોનીક સામાન અંગે તપાસ કરતા જનરેટર રૂમ તથા તેની બાજુના રૂમમાંથી 12 વોલ્ટની બે નંગ જનરેટર બેટરી, એક ડ્રેનજ પંપ, 40 મીટરનો 70 એમ.એમ.એલ્યુમિનીયમ આર્મર કેબલ, એક સબમર્સીબલ પંપ, બે નંગ ઈલેકટ્રીક ગ્રાઈન્ડર મશીન, એક ઈલેકટ્રીક ડ્રીલ મશીન, એક કોર્ડલેશ ડ્રીલ મશીન, 30 નંગ સિલીંગ ફેન, એક સબમર્સીબલ પંપનો કોર વાયર, એક હાઈડ્રોલીક કિમ્પિંગ મશીન, એક બ્રેકેટ મશીન(ડેમોનેશન મશીન), એક કોર્ડ લેસ ગ્રાઈન્ડિંગ મશીન અને એક 20 લીટર ડીઝલ ભરેલ કેન મળીને કુલ રૂ.41,500/-નો સરસામાન તા.29/12/2023ની સાંજથી તા.30/12/2023ની સવાર વચ્ચે રાત્રિના સુમારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ સ્કુલ કેમ્પસમાં ધુસીને પાવર જનરેટર રૂમના શટરનુ તાળુ તોડી મોટાભાગનો ઈલેકટ્રીક સરસામાન ચોરી કરીને ફરજ થઈ ગયા હોવાની ધટના ધટી હતી. જોકે ચોરીની ધટના અંગે કેન્દ્રિય વિઘાલયના મુખ્યાલયને જાણ કર્યા પછી મેનેજમેન્ટ સિસ્ટમનુ એપ્રુવલ મળ્યા બાદ શાળાના આચાર્યએ ચોરીની ધટનાના ચાર મહિના પછી નજીકના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીને અંજામ આપતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.