કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અંગે અનેકવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ હતી. ત્યારે હવે પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા 29 જેટલા દબાણકર્તાઓને મુખ્ય રસ્તા ઉપરના દબાણો માટે નોટીસ ફટકારતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા તા.11/11/2009 થી અત્યાર સુધી વેજલપુર ગામના મુખ્ય રસ્તા ઉપરના દબાણો અંગે અનેકવાર ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરી તેમજ તાલુકા સ્વાગત અને મુખ્યમંત્રી લોક ફરિયાદ કાર્યક્રમમાં રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી ગ્રામ પંચાયત દ્વારા નોટીસો આપીને સંતોષ માન્યો છે. જેથી અરજદાર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે અજદારની અરજી મુજબ સીટી સર્વે દ્વારા 1 થી 40 અને 40 થી 91ની માપણી કરી રેડ લાઈન કરવામાં આવેલ તેમ છતાં વેજલપુર પંચાયત દ્વારા 29 જેટલા દબાણકર્તાઓને નોટીસ આપીને સંતોષ માન્યો છે. ત્યારે વેજલપુર પંચાયત હદ વિસ્તારમાં આવેલ બહુચર્ચીત સર્વે નં.1417 સરકારી ગળનાળાના આગળ અને પાછળના ભાગે આવા ગળનાળા ઉપર મસમોટુંં દબાણ કરવામાં આવેલ છે. ત્યારે ગ્રામજનોમાં ચર્ચા મુજબ ગ્રામ પંચાયત નોટીસ પાઠવીને સંતોષ પામે છે. જેથી ગ્રામ પંંચાયત કયારે દબાણો દુર કરશે તેવા અનેક સવાલો સેવાઈ રહ્યા છે. કારણ કે, ગળનાળાના દબાણકર્તા દ્વારા અગાઉ વેજલપુર ગ્રામ પંચાયતને લેખિતમાં સાત દિવસમાં સ્વૈચ્છિક દબાણ દુર કરી આપવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજી પણ આ દબાણો યથાવત હોવાથી વેજલપુર પંચાયત દ્વારા 29 દબાણકર્તાઓને નોટીસ આપવા છતાં તલાટી કમ મંત્રી દ્વારા દબાણો દુર કરશે કે પછી માત્ર દેખાવ માટે નોટીસ આપીને પંચાયત દબાણો બાબતે ગંભીર હોવાનો દેખાવો કરાઈ રહ્યા છે. તે આવનાર સમયમાંં સામે આવશે.