વેજલપુર ગામે ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગયા અને ગંદકી ના સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું

વેજલપુર,

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ રોહિતવાસ અને ભોંઈવાડના જવાના રસ્તા ઉપર રૂપારેલ નદીના પટમાં ભયંકર ગંદકી અને રૂપારેલ નદી ઉપર દેશ આઝાદ થયા પછી એક પણ ઉંચો બ્રિજ બન્યો ન હોવાથી સ્થાનિક રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવ્યા હતા. જેના દૈનિક સમાચાર પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું અને આજે રોહિતવાસ તરફ જવાનો રસ્તો અને ઉર્દુ સ્કૂલ પાછળની ભયંકર ગંદકી જી.સી.બી. અને ટ્રેક્ટરો દ્વારા ઢગલા હટાવી સફાઈની કામ શરૂ કરાઈ હતી. ત્યારે સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાનો વિષય બન્યો છે કે, ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સ્થાનિક વોટરોને આકર્ષિત કરવા માટે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરશે કે પછી વેજલપુર ગામની રૂપારેલ નદીની સંપૂર્ણ સાફ સફાઈ કરાવીને વેજલપુર ગામની રૂપારેલ નદીને સ્વચ્છ અને સુંદર બનાવી ફરીથી રૂપારેલ નદીને રૂપ આપશે ખરાં…? તેવા અનેક પ્રકારના સવાલો લોકોમાં ચર્ચાઈ રહયા છે. ત્યારે વોર્ડ નં. 10 રોહિતવાસના સભ્ય નટુભાઈના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયત સભ્ય તરીકે ગ્રામ પંચાયતમાં અનેક વખત ગંદકીની સાફ સફાઈ માટે લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી અને રોહિતવાસ, વાલીમીક સમાજમાં કોઈપણ પ્રકારનો વિકાસ થયો નથી અને અમોને કોઈપણ લાભ મળ્યો નથી. વધુમાં તેમને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારએ સ્થળની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું. જેના કારણે તંત્ર જાગ્યું છે, તેવું જણાવ્યું હતું. જેથી વેજલપુર ગામનો વિકાસ માત્ર કાગળો ઉપર થતો હોય તેવું લાગી રહયું છે. ત્યારે હવે જોવાનું રહયું કે, વેજલપુર ગામની મુલાકાત કોણ અને કયા અધિકારીઓ લેશે અને પોતાનું જમીર જગાવી અને ઈમાનદારી બતાવી સાચી દિશામાં વિકાસ કરી જવાબદાર સામે પગલાં ભરશે તેવા ટમટમતા સવાલો ઉઠવા પામ્યા છે.

Don`t copy text!