વેજલપુર બસ સ્ટેન્ડમાં અપુરતી વ્યવસ્થાને લઈ મુસાફરોને ભારે હાલાકી

વેજલપુર, વેજલપુર બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેની અપુરતી સુવિધાના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બસ સ્ટેન્ડમાં એક દિવસમાં 600 જેટલી એસ.ટી.બસો ની અવર જવર થાય છે. બસ સ્ટેન્ડમાં માંડ પચાસ મુસાફરો બેસી શકે એટલી જ વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર વેપારી મથક ધરાવતું બજાર આવેલું છે. જે મુખ્ય હાઇવે ઉપર આવેલ મોટી વસ્તિ ધરાવતું ગામ છે. અહીં એક દિવસમાં લગભગ 600 થી પણ વધારે સરકારી એસટી બસોની અવર જવર રહે છે અને સ્ટોપેજ પણ ધરાવે છે. હજારોની સંખ્યામાં મુસાફરો વેજલપુર બસ સ્ટેન્ડ પરથી અવર જવર કરે છે. આ સ્ટેશન પર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડ માં મુસાફરો માટે પાયાની સુવિધાઓ જોવા મળતી નથી.

મુખ્ય સુવિધા પર નજર કરીએ તો હજારો લોકોની અવર જવર ધરાવતા બસ સ્ટેન્ડ માં મુસાફરોને બેસવા માટેની પુરતી સુવિધા જ નથી. દોઢ બાય ચાર ફુટની સાઇઝ વાળા બિલકુલ સાદા પથ્થર લગાડેલા દસ બાંકડા (ફક્ત પથ્થર) મુકેલા છે. જેની ઉપર માંડ પચાસ લોકો બેસી શકે એવી અપુરતી વ્યવસ્થા છે. જો લોકોની સુવિધા, સગવડ કે વ્યવસ્થા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય અને 60 થી 70 લોકો પણ બેસીના શકે તો આ કયા પ્રકારની વિકાસ વ્યવસ્થા છે. ત્યારે દિનેશ બારીઆએ આ અંગે વિભાગીય તંત્રને જાણ કરીને પુરતી, જરૂરીયાત મુજબની બેઠક વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.