વેજલપુર આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી ન હોવાથી ઇજાગ્રસ્તો ગોધરા સારવાર માટે પહોંચ્યા

વેજલપુરમાં સોમવારે હડકાયેલા કૂતરાં કરડવાના બનાવો બનતા ભોગ બનેલા લોકો વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. પરંતુ હડકવા વિરોધી રસીનો સ્ટોક ના હોવાથી ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ ખાતે સારવાર લેવાની ફરજ પડેલ હતી. કાલોલના વેજલપુરમાં આવેલા નાના મોહલ્લા ખાતે સોમવારે સવારે હડકાયા શ્વાને આતંક મચાવીને 5 લોકોને બાચકા ભરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તો તાત્કાલિક વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. પરંતુ આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસીના ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવેલ હતો. ઇજાગ્રસ્તો ગોધરા સિવિલ હોસ્પિટલ તથા ખાનગી દવાખાનામાં સારવાર અર્થે પહોંચ્યા હતા. વેજલપુરના આસપાસના વિસ્તારોમાં અવારનવાર હડકાયા કૂતરા કરડવાના બનાવો બનતા હોય છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી ના હોવાથી ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ જવા મજબુર બન્યા હતા. વેજલપુર નાના મોહલ્લામાં રહેતા મજીદભાઈને ડાબા પગે શ્વાને બચકાં ભરતા તેઓ વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચતાં ત્યાં હડકવા વિરોધી રસી નો સ્ટોક નથી તેવું જણાવવામાં આવ્યું હતું. મુખ્ય કચેરીને જાણ કરી છે વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પાછલા બે દિવસથી હડકવા વિરોધી રસીનો સ્ટોક પૂર્ણ થઈ જતા અમે મુખ્ય કચેરીના જવાબદાર અધિકારીઓને જાણ કરી છે. એટલે હડકવા વિરોધી રસી આવી જશે. અતિ ગંભીર કેસ આવે તો અમો આસપાસના કેન્દ્રોમાંથી રસીની વ્યવસ્થા કરી આપીએ છીએ. – મેડિકલ ઓફિસર, વેજલપુર