વિરપુરના જાંબુડી ગામે ચુલા પર રસોઈ બનાવતી મહિલા દાઝી જતા મોત

વિરપુર, વિરપુર તાલુકાના જાંબુડી ગામમાં રહેતી ગર્ભવતી મહિલાનુ ધરે ચુલા પર રસોઈ બનાવતા સમયે સાડી સળગી જતા દાઝી જવાથી મોત નીપજયું હતુ.

વિરપુર તાલુકાના ખાટા ગામના વર્ષાબેન વાઘાભધાઈના લગ્ન 13 વર્ષ પહેલા કોયડમ ગ્રામ પંચાયત વિસ્તારના જાંબુડી પરા વિસ્તારમાં રહેતા લેબાભાઈ ભુરાભાઈ બારીયા સાથે થયા હતા. તેમને એક 13 વર્ષની અને બીજી 4 વર્ષની બે બાળકીઓ છે. તેમજ હાલમાં તેઓ ગર્ભવતિ હતા. વર્ષાબેન તેમના ધરે ચુલા ઉપર રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે તેમની સાડીનો છેડાને ચુલાની ઝાળ લાગતા તેમની સાડી સળગવા લાગી હતી. જેમાં વર્ષાબેન પણ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝ્યા હતા. તેમની બુમાબુમ સાંભળી ધરના સભ્યો તેમજ પાડોશીઓ દોડી આવી વર્ષાબેનને સારવાર માટે વિરપુર સીએચસી ખાતે લઈ જવાયા હતા જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસે વિરપુર સરકારી દવાખાને પેનલ ડોકટરો દ્વારા લાશનુ પી.એમ. કરાવી લાશને તેમના સંંબંધિઓને સોંપી હતી. તેમજ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.