- વીરપુર થી જીલ્લા મથકને જોડતો મુખ્ય માર્ગ ડાન્સિંગ માર્ગ બન્યો.
મહીસાગર જીલ્લના વિરપુર ખાતે આદર્શ સ્કૂલ પાસેનો મુખ્ય માર્ગ જીલ્લા મથક લુણાવાડાને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ કેટલાય સમય થી બિસ્માર અને ખખડધજ થઈ ચુક્યો છે. આ માર્ગ પર મસમોટા ખાડા અને કાદવ કિચડથી ખદબદતા રસ્તા પરથી પસાર થવુ મુશ્કેલ બન્યું છે. ત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ ના થતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સ્થાનિક રહીશો અને નાના ભુલકાંઓ મચ્છરજન્ય, ચામડીના રોગો અને મેલેરિયા ભરડામાં આવે તો નવાઈ નહિ, દ્વિચક્રીય વાહનો માટે જોખમરૂપ સાબિત થાય છે.
આ ખાડારાજ રસ્તા પર સરકારી હોસ્પિટલ અને સ્કૂલ આવેલી હોવાથી શાળાએ જતા બાળકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ માર્ગ પર ઈમરજન્સી સમયે મોતના કુવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. હાલના સમયમાં વરસાદના કારણે મસમોટા ખાડા પડી જવાથી આ રસ્તાની હાલત કફોડી બની છે. આ રસ્તા પરથી વીરપુરના અનેક અધિકારીઓની ગાડીઓ આ ડાન્સીંગ રસ્તા પરથી પસાર થતી હોય છે. ત્યારે આ ઉબડખાબડ રસ્તાનું સમારકામ કરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે.