વીર સાવરકરના અપમાન મામલે રાહુલ ગાંધી સામે એફઆઇઆર નોંધાવાશે

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકર અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવશે

મુંબઇ,

વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ના પૌત્ર રણજિત સાવરકર મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના દાદાનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવશે. રણજીત સાવરકરે કહ્યું કે આ પહેલીવાર નથી, રાહુલ ગાંધી અને કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું છે, ભૂતકાળમાં પણ સાવરકરનું અપમાન કર્યું છે.

રણજીત સાવરકરે કહ્યું કે મેં રાહુલ ગાંધી વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે. રણજિત સરવરકરે એમ પણ કહ્યું કે હું અમારા સ્વાતંત્ર્ય સેનાનીના અપમાનની ફરિયાદ નોંધાવીશ. રણજીત સરવરકરે કહ્યું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તે જ એજન્ડાનો ઉપયોગ વીર સાવરકરનું અપમાન કરવા માટે કરી રહી છે.

આ પહેલા મંગળવારે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાહુલ ગાંધીએ હિંગોલીમાં ભારત જોડો યાત્રા દરમિયાન આદિવાસી સંમેલનમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકર અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હતા. રાહુલે કહ્યું કે વીર સાવરકરે અંગ્રેજો પાસેથી પેન્શન લીધું અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે અંગ્રેજોની ઓફર સ્વીકારી અને તેમના માટે કામ કર્યું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે આદિવાસી નેતા બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડત આપી હતી, પરંતુ આજકાલ તેમની વિચારધારા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સાવરકરે આંદામાન જેલમાં અંગ્રેજોને પત્ર લખીને તેમને માફી આપવા અને જેલમાંથી મુક્ત કરવા જણાવ્યું હતું. સાવરકર અને બિરસા મુંડા વચ્ચેનો તફાવત એ છે કે તેઓ ૨૪ વર્ષના હતા ત્યારે અંગ્રેજો સામે લડ્યા હતા.