લુણાવાડા,
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં સારીયા-હાંડિયા રોડ નજીક કપચી ભરેલા ટ્રેકટરે એક બાઈક અને કારને અડફેટે લેતા બાઈક ચાલકનુ મોત નીપજયું હતુ. જયારે પાછળ બેસેલ બે શખ્સને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રેકટર ચાલક ટ્રેકટર સ્થળ ઉપર મુકીને નાસી ગયો હતો.
વિરપુર તાલુકાના ધાવડીયા ઓઢા સરાડીયા ગામે રહેતા રણજીતભાઈ માલાભાઈ સોલંકી સાઠંબા બસ સ્ટેન્ડથી તેમના ભાઈ ગણપતભાઈ અને ગામમાં રહેતા મિત્ર કલ્પેશભાઈ નવાભાઈ પરમારની સાથે બાઈક પર સરાડીયા ગામે જતા હતા તે સમયે સારીયા-હાડિયા રોડ નજીક પુરઝડપે આવી રહેલા એક કપચી ભરેલા ટ્રેકટરના ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં ટ્રેકટરની ટ્રોલીનુ તોતિંગ વ્હિલ ગણપતભાઈ પર ફરી વળતા તેમનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે કલ્પેશભાઈ તથા રણજીતભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાઈકને ટકકર માર્યા બાદ ટ્રેકટરના ચાલકે સામેથી આવતી કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ટ્રેકટરનો ચાલક અને ટ્રોલીમાં બેસેલા મજુરો ટ્રેકટર ત્યાં જ છોડીને જતા રહ્યા હતા. બનાવની જાણ થતાં વિરપુર પોલીસ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ યુવાનનો મૃતદેહને હોસ્પિટલમાં પી.એમ.માટે મોકલી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. તેમજ ટ્રેકટરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.