વાયુ પ્રદૂષણને કારણે ૨૦૨૧માં ભારતમાં ૨૧ લાખ લોકોનાં મોત : દુનિયા સામે વિકટ સ્થિતિ

આજે ભારત સહિતના વિશ્વના દેશો પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ સમસ્યાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ ૨૦૨૧માં વાયુ પ્રદૂષણને કારણે ૮૧ લાખ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.

યુનિસેફ સાથે મળીને અમેરિકા સ્થિત એક સ્વતંત્ર શોધ સંગઠન હેલ્થ ઇફેક્ટ્સ ઇનસ્ટીટયૂટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૧માં ચીનમાં ૨૩ લાખ અને ભારતમાં ૨૧ લાખ લોકોએ વાયુ પ્રદૂષણને કારણે પ્રાણ ગુમાવ્યા હતાં. વાયુ પ્રદૂષણની અસર બાળકો ઉપર પણ છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧,૬૯,૪૦૦ બાળકોનાં મોત થયા હતાં. ત્યારબાદ નાઈજિરિયામાં ૧,૧૪,૧૦૦, પાકિસ્તાનમાં ૬૮,૧૦૦, ઈથોપિયામાં ૩૧,૧૦૦ અને બાંગ્લાદેશમાં ૧૯,૧૦૦ બાળકોનાં મોત થયા હતાં. દક્ષિણ એશિયામાં મોત થવાનું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે. ત્યારબાદ હાઇ બ્લડ પ્રેશર, આહાર અને તમાકુ જેવા પરિબળો મોતનું કારણ બની રહ્યાં છે.

વર્ષ ૨૦૨૧માં કોઇ પણ ગત વર્ષના અંદાજની સરખામણીમાં વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલ વધારે મોત જોવા મળ્યા હતા. એક અબજથી વધુ વસ્તી ધરાવતા ભારત અને ચીન બંને મળીને કુલ વૈશ્વિક રોગનો ૫૪ ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ ૨.૫ અને ઓઝોનને કારણે થનારા વાયુપ્રદૂષણને કારણે ૨૦૨૧માં ૮૧ લાખ લોકોનાં મોત થવાનો અંદાજ છે. જે કુલ વૈશ્વિક મોતના લગભગ ૧૨ ટકા છે.

વૈશ્વિક વાયુ પ્રદૂષણથી થતા મોત પૈકી ૯૦ ટકાથી વધુ એટલે કે ૭૮ લાખ લોકોના મોત પીએમે ૨.૫ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. ૨.૫ માઈક્રોમીટરથી પણ ઓછો વ્યાસ ધરાવતા વાયુ પ્રદૂષણના સુક્ષ્મ કણો ફેફસામાં રહી જાય છે અને રક્તપ્રવાહમાં પ્રવેશ કરે છે જેના કારણે અનેક અંગો પર અસર થાય છે. જેનાથી હદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ફેફસાના કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે.