કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. બુધવારે નવમા દિવસે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે અને આપત્તિ અસરગ્રસ્તોને મળશે. એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન એક વિશેષ વિમાન દ્વારા કન્નુર પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે. આ પછી તે કેટલાક રાહત શિબિરોની મુલાકાત લેશે, જ્યાં હાલમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.
બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોક્સભામાં કહ્યું ‘હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે વાયનાડ માટે એક વ્યાપક પુનર્વસન પેકેજ આપે. કેન્દ્ર સરકારે લોકોને આપવામાં આવતા વળતરમાં પણ વધારો કરવો જોઈએ. કેન્દ્રએ વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ.
દરમિયાન, તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે બુધવારે કેરળના ભૂસ્ખલનગ્રસ્ત જિલ્લામાં પુનર્વસન પ્રયાસો માટે મુખ્યમંત્રીના આપત્તિ રાહત ફંડમાં રૂ. ૨ કરોડનું દાન આપ્યું હતું.
વાયનાડમાં રાહત કાર્યમાં લાગેલા સૈનિકોની પ્રશંસા કરતા ધોરણ ૩ ના વિદ્યાર્થી રેયાન દ્વારા લખાયેલ પત્રે ભારતીય સેનાનું દિલ જીતી લીધું છે અને તેણે ઠ દ્વારા તેનો હૃદયસ્પર્શી જવાબ આપ્યો છે. આર્મીના સધર્ન કમાન્ડે બાળકનો પત્ર અને તેનો જવાબ પોસ્ટ કર્યો છે.
સ્કૂલ ડાયરીમાં લખેલા પત્રમાં વિદ્યાર્થીએ કહ્યું- ‘હું રેયાન છું. મારા પ્રિય વાયનાડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ભારે વિનાશ થયો હતો. તમને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવતા જોઈને મને ગર્વ અને આનંદ થયો. બાળકે એક વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં સૈનિકો ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં પુલ બનાવતી વખતે તેમની ભૂખ સંતોષવા બિસ્કિટ ખાતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીએ પત્રમાં લખ્યું કે આ દ્રશ્યે મને ખૂબ પ્રભાવિત કર્યો અને એક દિવસ હું સેનામાં જોડાઈને દેશની રક્ષા કરવા માંગુ છું.
પત્રના જવાબમાં સેનાએ કહ્યું- ‘ડિયર માસ્ટર રાયન, તમારા હૃદયસ્પર્શી શબ્દો અમારા હૃદયને સ્પર્શી ગયા છે. અમારો ઉદ્દેશ્ય મુશ્કેલીના સમયમાં આશાનું કિરણ બનવાનો છે અને તમારો પત્ર તેની પુષ્ટિ કરે છે. તમારા જેવા હીરો અમને શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપે છે. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તમે યુનિફોર્મ પહેરીને અમારી સાથે ઊભા રહેશો. આપણે સાથે મળીને આપણા દેશને ગૌરવ અપાવીશું. તમારી હિંમત અને પ્રેરણા માટે યુવા યોદ્ધાનો આભાર.