
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. કારણ કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં વિકસી શકે છે. તે ‘Cyclone Michaung’માં પરિવર્તિત થવાની સંભાવના છે.
IMD અનુસાર ડીપ ડિપ્રેશન ‘પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે. આ પછી, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તામિલનાડુના દરિયાકાંઠે થઈને સોમવારે સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પહોંચશે.
આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ડિસેમ્બરે જ્યારે તે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે છે, ત્યારે Cyclone Michaung 80 થી 90 કિમી પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ પ્રાપ્ત કરે તેવી ધારણા છે. જે 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMD એ એમ પણ જણાવ્યું હતું કે, દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મિલકતો અને નબળા માળખાને નુકસાન થવાની સંભાવના છે.
ઉત્તર કોસ્ટલ તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. IMDએ કહ્યું કે, 4 ડિસેમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે અને તે પછી તે ઘટશે. રાજ્યની રાજધાની ચેન્નાઈમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. ચેન્નાઈ હવામાન વિભાગે શનિવારે રાત્રે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરી હતી.
દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચવાની ધારણા હોવાથી સમગ્ર તમિલનાડુમાં પોલીસ અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો પ્રદાન કરી છે અને 10 વધારાની ટીમોને કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.