દ્વારકા, બિપોરજોય ચક્રવતની દ્વારકામાં પણ મોટી અસર જોવા મળી. આખી રાત દ્વારકાવાસીઓએ ફફડાટમાં વિતાવી હતી કે, શું વાવાઝોડું આ કૃષ્ણની નગરીને શું કરશે. પરંતુ સવાર થતા જ તેઓ ખુશીથી મલકાયા હતા કે, દ્વારકાધીશે દ્વારકા પર આવેલું સંકટ ટાળ્યું હતું. વાવાઝોડાને ભારે પવન અને વરસાદને કારણ દ્વારકામાં ખાનાખરાબી સર્જાઈ છે. પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. જેથી દ્વારકાના લોકોએ શ્રીકૃષ્ણનો આભાર માન્ય હતો. તેઓએ કહ્યું કે, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી. ચક્રવાતની અસરમાં દ્વારકાધીશ મંદિરની ધજા ક્ષીણ થઈ ગઈ છે.
સવાર બાદ દ્વારકામાં હવે જનજીવન ફરી પુન:વર્ત થયું છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બિપરજોય ચક્રવાતને કારણે દ્વારકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભદ્રકાલી ચોકમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. ત્યારે વરસાદ ઓછો થતા બહાર નીકળેલા દ્વારકાવાસીઓએ કહ્યું કે, રાત્રે ઘરમાં હતા પવનના સુસવાટા અને વરસાદ ધોધમાર વરસ્યો. ૫૨ વર્ષમાં ક્યારેય આવું વાવાઝોડું નથી જોયું. રાત્રે લાઈટ નહોતી જેથી મીણબતી લઈને રાત કાઢી. દ્વારકાધીશે અમારા પર આવેલું સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી.