કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ફળી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી છે. સૂત્રોનો દાવો છે કે ગમે ત્યારે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત થઇ શકે છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25મી ઓક્ટોબર છે. 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે.
મંગળવારે સાંજે બેઠક મળી હતી મંગળવારે સાંજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ત્રણેય દાવેદાર ગુલાબસિંહ રાજપૂત , કે.પી ગઢવી અને ઠાકરશી રબારી અને વાવ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત હતા.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત? ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગુલાબસિંહ રાજપૂત ઉપરાંત ઠાકરશી રબારી અને કે.પી.ગઢવી પણ દાવેદારોની રેસમાં આગળ હતા. ઠાકરશી રબારી માલધારી સમાજના અગ્રણી નેતા છે. છેલ્લાં 10 વર્ષમાં તેમણે ગ્રાઉન્ડ લેવલે ઘણી મહેનત કરીને મુખ્ય પ્રવાહના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની થયેલી જીતમાં ઠાકરશી રબારીનો પણ મોટો ફાળો હતો. 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઠાકરશી રબારી ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે ખડેપગે રહ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારી ઉપરાંત કે.પી. ગઢવી પણ દાવેદારોની યાદીમાં હતા. વર્ષોથી વકીલાત કરતા કે.પી. ગઢવી અત્યારસુધીમાં એકપણ ચૂંટણી લડ્યા નહોતા.
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. આ બે મોટા સમૂદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે.
ગેનીબેન સાંસદ બનતાં બેઠક ખાલી હતી વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી તેમની જીત થઇ અને તેઓ સાંસદ બન્યા હતા. જેના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી.
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.