વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન:6 કલાકમાં​​​​​​​ 39.12 % મતદાન, યુવાથી માંડી વૃદ્ધ તમામ મતદારો ઉત્સાહિત

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. જોકે, ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું હોય એવું લાગી રહ્યું છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે છે. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ ખડેપગે છે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામમાં પહોંચ્યા હતા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ મિલાવ્યો ન હતો. બંનેએ સામ સામે હાથ જોડી રામ રામ કર્યા હતા. ગુલાબસિંહ ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા હતા. ગુલાબસિંહે કહ્યું કે ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે.