વરસાદ સામે દિલ્હી એરપોર્ટ લાચાર, છત પડી જવાથી સિસ્ટમ ખોરવાઈ,એકનું મોત

  • ભારે વરસાદને કારણે દિલ્હીની ગતિ ધીમી પડી ગઈ છે.

મુશળધાર વરસાદને કારણે દિલ્હી-એનસીઆરઇની હાલત ખરાબ થઈ ગઈ છે. સર્વત્ર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે આઇજીઆઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટમનલ ૧ ની છતનો એક ભાગ તૂટી પડ્યો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૮ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ટર્મિનલ -૧ પર છત પડી જવાથી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. બપોરે ૨ વાગ્યા સુધી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જોકે, કંપનીઓનું કહેવું છે કે જેમની ફ્લાઈટ્સ કેન્સલ થશે તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે અથવા તેમને વૈકલ્પિક ફ્લાઈટ્સ આપવામાં આવશે. ભારે વરસાદને કારણે દિલ્હી-NCR ના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક વ્યવસ્થા કથળી છે. જાણે રોડથી રેલ અને મેટ્રોથી ફ્લાઈટ ની ગતિ ધીમી પડી ગઈ છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે એરપોર્ટની બહારની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો છે. અમે આ દુ:ખદ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર લોકો ઘાયલ પણ થયા છે. તેથી અમે અત્યારે તેમની સંભાળ લઈ રહ્યા છીએ. અમે તાત્કાલિક ઈમરજન્સી ટીમ, ફાયર બ્રિગેડ અને સીઆઇએસએફ એનડીઆરએફની ટીમો મોકલી છે

દરેક વ્યક્તિ સ્થળ પર હાજર હતા અને તેઓએ સંપૂર્ણ તપાસ કરી છે જેથી વધુ કોઈ જાનહાનિ ન થાય. તેથી, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, તેમણે કહ્યું કે બાકીના ટર્મિનલ બિલ્ડીંગને બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ બાબતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ઉડ્ડયન મંત્રી નાયડુએ મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી હતી.

નાયડુએ કહ્યું કે મૃતકોના પરિવારને ૨૦ લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને ૩-૩ લાખ રૂપિયાનું વળતર મળશે. તેમણે કહ્યું કે મુસાફરોની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે.

દિલ્હી પહેલા વરસાદમાં જ પાણીમાં ફેરવાઈ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોધી એસ્ટેટ વિસ્તારમાં સતત ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર છે અને વાહનોની અવરજવર શક્ય નથી.ભારે વરસાદને કારણે દિલ્હીની ગતિ ધીમી પડી ગઈ છે. અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અનેક વાહનો અટવાઈ પડ્યા છે. રસ્તાઓ જાણે પૂરમાં ભરાઈ ગયા હોય એવું લાગે છે. જેમની પાસે ટુ-વ્હીલર છે તેમને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કાર અને ટ્રક પાણીમાં ડૂબેલા જોવા મળે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોવીસ કલાકમાં વરસાદની સંભાવના છે.બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દિલ્હી-એનસીઆરમાં સવારથી જ ભારે વરસાદ હતો છેલ્લા ઘણા દિવસોથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.વરસાદ પડતા ગરમીમાં રાહત મળી છે.