અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં એક દિવસ અગાઉ થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. GIDC વિસ્તારમાં વહેલી સવારે એક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા હત્યાની ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. CCTV ના આધારે પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી તેને પકડી પાડ્યો છે. હત્યારાની પૂછપરછ કરતા એક સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં ફરી એક વખત મિત્રતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના પૂર્વમાં વટવા GIDC વિસ્તારમાં વટવા બ્રિજના છેડે પરમેશ્વર એસ્ટેટમાં હત્યા થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા તેણે શોધખોળ હાથ ધરી હતી અને આસપાસના CCTVની મદદથી પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
જોકે જે જગ્યાએ આ હત્યાનો બનાવ બન્યો ત્યાં CCTV હોવાથી પોલીસે CCTV માં તપાસતા સમગ્ર હકીકત સામે આવી હતી. હત્યા થયેલો વ્યક્તિ વટવા GIDC ખાતે આવેલા ચાર માળિયામાં રહેતો મુકેશ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. મૃતક મુકેશ ઠાકોરના ઘરે પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે, જે CCTV માં અન્ય વ્યક્તિ એટલે કે હત્યારો દેખાય છે તે નીતિશ પ્રસાદ હતો. જેના આધારે પોલીસે હત્યારા નીતિશ પ્રસાદની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા CCTV માં દેખાતા હત્યારા નીતિશ પ્રસાદના ઘરે તપાસ કરવા પહોંચી હતી. ત્યારે હત્યામાં વપરાયેલું મોટરસાયકલ ત્યાં મળી આવ્યું હતું. પરંતુ પોલીસે ઘરમાં તપાસ કરતા નીતિશ પ્રસાદ મળ્યો ન હતો. પોલીસ દ્વારા નીતિશ પ્રસાદના ઘરના સભ્યોની પૂછપરછ કરતા તેઓને પણ નીતિશ અંગે કોઈ પણ જાણ નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે પોલીસે ઘરના સભ્યોની કડકાઈથી પૂછપરછ કરતા નીતીશ તેના જ ઘરના માળિયામાં છુપાઈને બેઠો હોવાની હકીકત સામે આવી હતી. જેને આધારે પોલીસે આરોપી નીતિશ પ્રસાદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ તો પોલીસે CCTVના આધારે મૃતક અને હત્યારાની ઓળખ કરી સમગ્ર કેસનો ભેદ ઉકેલ લીધો છે. પોલીસ દ્વારા હત્યારા નીતિશની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક મુકેશ અને આરોપી નીતિશ બંને મિત્રો છે અને ગતરાત્રિના તેઓ વાતો કરતા કરતા એક જ બાઈક ઉપર ફરતા હતા. બંને વચ્ચે વાતો દરમિયાન બોલાચાલી થઈ હતી. મૃતક મુકેશ દ્વારા નિતેશના સગા સંબંધીઓને ગાળો આપવામાં આવતા નીતિશ અને મુકેશ વચ્ચે બોલાચાલી થઈ હતી.
બાદમાં ઝપાઝપી થતા નીતિશે પોતાની પાસે રહેલી છરી મુકેશને મારી હત્યા કરી હતી અને મોટરસાયકલ લઈને નીતીશ નાસી છૂટ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી નીતિશ વિરુદ્ધ અગાઉ પણ મારામારીનો એક ગુનો નોંધાય ચૂક્યો છે. હાલ તો વટવા GIDC પોલીસે હત્યારા નીતિશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.