વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલે પીઆઇ ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ

અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે ભરવાડવાસમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ૭ જેટલા લોકો ઘાયલ થયા અને એક ૭૦ વર્ષીય મહિલાનું મોત થયું. ત્યારે હવે આ મામલે પોલીસે ગાંધીનગરમાં ટ્રાફિકના પીઆઇ ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ૯ મેના રોજ થવાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના પીઆઇ ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર,પીઆઇ ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું. હવે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં પીઆઇ ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે પીઆઇ ગોવિંદ ભરવાડ સહિત ૭ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં ૭ લોકો ઘાયલ થયા છે, જયારે એક ૭૦ વર્ષીય મહિલાનું મોત થયું છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે છઝ્રઁ, એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે ગઈકાલે ભરવાડવાસનાં બે ટોળા વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા ૭૦ વર્ષીય મહિલાને છાતીના ભાગે પથ્થર વાગતા તેમનું મૃત્યુ થયું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનારના પરિજનોને ખાતરી આપી છે કે તેઓ બંને એટલી જલ્દી આરોપીઓને પકડી પાડશે. પોલીસે જણાવ્યું કે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને કુલ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ઘટનામાં સામેલ પીઆઈ સામે પણ તપાસ ચલાવી રહી છે.