- દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે ઘરની બહાર કામ કરતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
નવીદિલ્હી, શિયાળાની શરૂઆત સાથે, દિલ્હી અને મુંબઈ સહિત ભારતના ઘણા મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું જોખમ વધી જાય છે. લગભગ ૬ વર્ષ પહેલા ચીનના શહેરો વિશ્ર્વમાં સૌથી વધુ પ્રદૂષિત હતા. ૨૦૧૭ માં, એર ક્વોલિટી ટ્રેકર એકયુએએ ચીનના ૭૫ શહેરો અને ભારતના ૧૭ શહેરોને વિશ્ર્વમાં સૌથી ખરાબ હવા ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં સામેલ કર્યા હતા. જો કે, છ વર્ષ પછી આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. વર્ષ ૨૦૨૨માં ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતમાં ૬૫ અને ચીનમાં માત્ર ૧૬ શહેરો હતા. ચીને વાહનો અને કોલ પાવર પ્લાન્ટની સંખ્યામાં ઘટાડો કરીને પરિસ્થિતિમાં સુધારો કર્યો.એકયુએના રિપોર્ટ અનુસાર, ૯ નવેમ્બર પહેલા ૩૦ દિવસમાં દિલ્હીમાં પીએમ ૨.૫નું સરેરાશ સ્તર બેઇજિંગ કરતા ૧૪ ગણું વધારે હતું.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે ૨૧ લાખ ભારતીયો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. ૨૦૧૯માં આ આંકડો ૧૬ લાખ હતો. જૂનમાં પ્રકાશિત વિશ્ર્વ બેંકના અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે સૂક્ષ્મ કણો વધવાને કારણે દેશની જીડીપીને વાર્ષિક ૦.૫૬% નું નુક્સાન થાય છે, કારણ કે તે કામદારોની ઉત્પાદક્તા ઘટાડે છે. લગભગ એક દાયકા પહેલા ચીનના ઘણા મોટા શહેરો વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા હતા. અમેરિકન દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં ત્યાંની ગંભીર સ્થિતિ સામે આવી છે. ૨૦૧૪ માં ચીનમાં જાહેર પ્રદર્શનો પછી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્વીકાર્યું હતું કે બેઇજિંગની સૌથી મોટી સમસ્યાઓમાંની એક વાયુ પ્રદૂષણ છે. આ પછી ચીને ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા.
વાયુ પ્રદૂષણને રોકવા માટે ચીને રાષ્ટ્રીય સ્તરનો મેગા એક્શન પ્લાન બનાવ્યો છે. ચીને પ્રદૂષણ સામે લડવા માટે લગભગ ૨૨.૫ લાખ કરોડ રૂપિયાનું ઈમરજન્સી ફંડ બનાવ્યું છે. બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુ જેવા મોટા શહેરોમાં વાહનોની સંખ્યામાં ઘટાડો. લોખંડ અને સ્ટીલ ઉદ્યોગો જેવા ભારે ઉદ્યોગો માટે પ્રદૂષણ અંગે કડક નિયમો બનાવ્યા. ચીને ઘણા કોલ પાવર પ્લાન્ટ બંધ કરી દીધા હતા અને આવા નવા બનાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. શિકાગો યુનિવર્સિટીની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ચીનના નિર્ણયોને કારણે ૨૦૧૩ થી ૨૦૨૧ દરમિયાન ચીનમાં વાયુ પ્રદૂષણમાં ૪૨.૩% ઘટાડો થયો છે. ચીનના પ્રદૂષણમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વમાં પણ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે ઘરની બહાર કામ કરતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. દિલ્હીમાં સામાન્ય લોકો પાસે એર પ્યુરિફાયર અને અસરકારક માસ્ક જેવી લક્ઝરી વસ્તુઓ નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે સરકાર પણ પાકની પરાળને બાળી નાખવાના પ્રયાસો કરી રહી છે. પ્રદૂષણને રોકવા માટે દિલ્હીમાં ઘણી જગ્યાએ ઓડ-ઇવન નિયમો અને સ્મોગ ટાવર લગાવવામાં આવ્યા છે, પરંતુ આ પ્રયાસો પૂરતા નથી. આ માટે મોટા પગલા ભરવા પડશે. દિલ્હીના રસ્તાઓ પરથી વાહનોની સંખ્યા ઘટાડવી પડશે અને ક્રોપ રોટેશન બદલવું પડશે, જેથી પરાળ સળગાવવાની સમસ્યા ઊભી ન થાય. કેન્દ્ર સરકારે નાના શહેરોને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરવા માટે ૨૦૧૯માં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કર્યો હતો. શહેરોએ જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રિક અને કુદરતી ગેસથી ચાલતી બસો ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશમાં ૧૨ હજાર ઈ-બસ ચાલી રહી છે, તેને ૨૦૨૭ સુધીમાં વધારીને ૫૦ હજાર કરવાની યોજના છે.