વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડેની ૫૭ વર્ષ બાદ એક સાથે ઉજવણી થશે

અમદાવાદ, આગામી બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વાત એમ છે કે, આગામી બુધવારે મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી અને ૧૪ ફેબ્રુઆરી હોવાથી વેલેન્ટાઇન્સ ડેની પણ ઉજવણી થશે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એક સાથે હોય તેવું છેલ્લે ૫૭ વર્ષ અગાઉ એટલે કે ૧૯૬૭માં બન્યુ હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડે નિમિતે ગુજરાતમાંથી જ હજારો યુગલો લગ્નના તાંતણે બંધાશે.

૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે હોય તેવું છેલ્લે ૧૯૬૭માં બન્યુ ત્યારે ભારતમાં વેલેન્ટાઇન્સ ડે પ્રચલિત પણ નહોતું. હિન્દુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી શારદા માતાની પુજા થાય છે. વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

વસંત પંચમી નિમિતે ગુજરાતમાંથી જ અંદાજે પાંચ હજારથી વધુ યુગલો લગ્ન જીવનનો પ્રારંભ કરશે. જેના પગલે અમદાવાદના મોટાભાગના પાર્ટી પ્લોટ હોલ, બેન્ડવાજા, કેટરર્સનું મહિનાઓ અગાઉ જ એડવાન્સ બુકિંગ થઇ ગયુ છે. આ અંગે એક કેટરરે જણાવ્યુ કે, ’૬ થી ૮ મહિના અગાઉ જ લગ્ન પ્રસંગ માટે અમારે ત્યાં બુકિંગ થઇ ગયુ છે. અનેક લોકો વાસ્તુ, ભૂમિપુજન પણ કરવાના છે અને તેના માટે પણ બુકિંગ આવી રહ્યા છે. જેના કારણે અમારે રાજસ્થાનની વધુ સ્ટાફ બોલાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.’

એક પાર્ટી પ્લોટના મેનેજરના મતે વસંત પંચમીનું હિન્દુ ધર્મમાં એનરૂ માહાત્મય છે. આ જ દિવસે આ વખતે વેલેન્ટાઇન્સ ડે પણ હોવાથી અનેક યુગલો લગ્નજીવનને યાદગાર બનાવવા માગતા હોવાથી તેના ઉપર પસંદગી ઉતારે છે. આ ઉપરાંત ૧૪ ફેબ્રુઆરીના ભાડેથી કારનું પણ એડવાન્સ બુકિંગ થઇ જતા તે પણ નહીં મળી રહી હોવાનું સામે આવી રહ્યુ છે. અનેક હોટલોમાં તમામ રૂમ બુક થઇ ગયા છે.

વર્ષ ૨૦૨૪માં લગ્નના આગામી શુભ મુહૂર્ત

ફેબ્રુઆરી: ૧૨,૧૪,૧૮,૧૯,૨૪થી ૨૯

માર્ચ: ૨,૩,૫,૬,૭,૧૧,૧૨

એપ્રિલ: ૧૮,૧૯,૨૦,૨૧

જુલાઇ: ૯,૧૧,૧૨,૧૩,૧૪,૧૫

નવેમ્બર: ૧૩,૧૭,૧૮,૨૨,૨૩,૨૪, ૨૫, ૨૬

ડિસેમ્બર: ૨,૩,૪,૫,૧૦,૧૧,૧૩,૧૪