- દાહોદ ઈન્દૌર પરિયોજનાને વેગવંતુ બનાવવા બજેટમાં પ્રથમ વખત 440 કરોડની ફાળવણી કરાઈ.
- દાહોદ રેલ્વે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રી ડેવલપમેન્ટ કરી સૌંદર્યકરણ કરવામાં આવશે.
દાહોદ,
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાને પૂર્ણતા તરફ લઈ જવાના સંકલ્પ સાથે આ વખતના સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકારે વધુ 440 કરોડ રૂપિયાની ફાળવણી કરતા આ વિસ્તારના લોકોમાં અને રેલ કર્મીઓમાં એક પ્રકારનો આનંદ વ્યાપ્યો છે ત્યારે છેલ્લા 14 વર્ષોથી ખૂબજ મંદગતિએ ચાલતી કામગીરીમાં હવે સંબંધિતો દ્વારા સક્રિયતા હાથ ધરાય તેવી લાગણી અને માંગણી પણ વહેતી થવા પામી છે. વર્તમાન સરકારે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એડી ચોટીની જોર લગાવી રહી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ઇન્દોર દાહોદ રેલ યોજના ખરેખર પ્રજા માટે ઉપયોગી થઈ શકે કે કેમ ? તે આવનાર સમય કહેશે બાકી હાલ સુધી તો નાણાંના અભાવે તેમજ અન્ય ટેકનીકલ કારણોને કારણે ખૂબ જ મંદગતિથી આગળ વધતી આ રેલ ફરી યોજના તેની લાગત કરતા અનેક ગણી વધારે મોંઘી થવા જઈ રહી છે. ત્યારે દર વર્ષે આ પરિયોજના માટે નાણાંની ફાળવણી વધુને વધુ થતી જઈ રહ્યું હોય હવે ટૂંક સમયમાં પરિયોજના સાકાર થશે તેવું કહેવું અતિશ્યોક્તિ ભર્યું નહીં ગણાય.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બજેટ રજુ કર્યુ હતું, જેમાં રેલ બજેટનો સમાવેશ થાય છે. ત્યારે આજરોજ રેલ મંત્રી અશ્ર્વિની કુમારે વર્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજી આ બજેટમાં રેલ્વેને કેટલી રકમ ફાળવવામાં આવી છે. તે અંગે સ્પષ્ટતા કરી હતી. જેમાં રતલામ મંડળને વિવિધ રેલ પ્રોજેક્ટો માટે 2281 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. ત્યારે વર્ષોથી દાહોદવાસીઓ તેમજ માલવા, નીમાડના આદિવાસી પટ્ટા માટે સફેદ હાથી સમાન સાબીત થતી દાહોદ ઈન્દૌર રેલ પરિયોજનાને ઝડપથી પુર્ણ કરવા પ્રથમ વખત 440 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે દાહોદ રેલ્વે સ્ટેશનને આગામી સમયમાં અમૃત ભારત રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવા રીડેવપમેન્ટ કરી સૌંદર્યકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ બજેટમાં દાહોદ ઈન્દૌર રેલ પરિયોજનાને 256 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી પરંતુ રેલ્વે વિભાગની ઉદાસીનતા ભરી વલણના કારણે આખા વર્ષ દરમ્યાન માત્ર ટેન્ડર પ્રક્રિયાજ હાથ ધરવામાં આવી હતી જેના પગલે ગત વર્ષે બજેટમાં ફાળવેલી રકમ પૈકી કેટલીક રકમ લેપ્સ થવાની કગારે પણ આવી ચુકી છે. 204 કિલો મીટર લાંબી દાહોદ ઈન્દૌર રેલ પરિયાજનોમાં દાહોદથી કતવારા સુધીનો સેક્શન પુર્ણતાના આરે છે. રેલ્વે સેફ્ટી ટીમ દ્વારા આ સેક્શન પર ડીઝલ એન્જીન દોડાવી ટ્રાયલ પણ લઈ લીધો છે ત્યારે કતવારાથી પીટોલ સુધી 19 હેક્ટર જમીન ફોરેસ્ટ વિભાગમાં આવતી હોય હજી સુધી અગમ્ય અસંમજસના કારણે ભુમી એક ઈંચ પણ ભુમી અધિગ્રહણ કરી શકાયું નથી. ત્યારે મધ્ય પ્રદેશના ઝાબુઆથી ધાર સુધીના બે – ત્રણ ગામોને બાદ કરતાં આ રેલ માર્ગ વિકસાવવા માટે ભુમી અધિગ્રહણ કાર્ય લટકેલું પડ્યું છે. મધ્ય પ્રદેશના પીથમપુર નજીક નિર્માણાધિન ટનલનું કાર્ય કોરોના કાળ સમયે અટકી ગયું હતું અને રેલ્વે દ્વારા તમામ ટેન્ડરોને હોલ્ડ પર મુકી દીધાં હતાં. ગત વર્ષે રેલ્વે દ્વારા 256 કરોડની ફાળવણી બાદ આ રેલ માર્ગના કાર્યમાં ગતિ આવશે તેમ લાગી રહ્યું હતું પરંતુ પીથમપુર નજીક ટનલમાં પણ એક ઈંચ કામ હજી સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. ત્યારે આ વખતે ફરી રેલ્વે દ્વારા બજેટમાં દાહોદ ઈન્દૌર રેલ પરિયોજનામાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે રેલ્વે વિભાગ આગામી સમયમાં ઉદાસીનતા છોડી આ રેલ માર્ગને ઉત્તર ભારત તેમજ કોકણ રેલ્વે તથા છોટાઉદપુર, ધાર- ઈન્દૌર પરિયોજનના તર ઉપર વેગવંતુ આ રેલ માર્ગને ઝડપથી પુર્ણ કરે જેના પગલે આદિવાસી બેલ્ડ પણ વિકાસની મુખ્ય ધારા આવી શકે તેમ માટે પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી હતી.