વરસાદના કારણે તબાહી: વડાપ્રધાન મોદીએ દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિને કારણે બગડેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

  • રાહુલે કોંગ્રેસ કાર્યર્ક્તાઓને મદદની અપીલ કરી.

નવીદિલ્હી, દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન, ભારે વરસાદને કારણે, જ્યાં દેશના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે, ત્યાં મેદાની વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિને કારણે બગડેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ અંગે વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ સાથે વાત કરી છે. પીએમઓએ આ અંગે માહિતી આપી છે.

પીએમઓએ એ પણ માહિતી આપી કે અધિકારીઓએ વડાપ્રધાનને ભારે વરસાદને કારણે બગડેલી સ્થિતિ વિશે જાણકારી આપી છે. તેમને જાણ કરવામાં આવી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત લોકોની સુખાકારી સુનિશ્ર્ચિત કરવા માટે કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પરિસ્થિતિ પર નજર રાખવા માટે દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરોના સંપર્કમાં છે. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો પણ સંપર્ક કર્યો છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદ, ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ લોકોના મૃત્યુથી દુખી છે. તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યર્ક્તાઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય કરવા અને લોકોને મદદ કરવાની અપીલ કરી છે. પાર્ટીના ભૂતપૂર્વ વડાએ કહ્યું કે કોંગ્રેસના તમામ કાર્યકરોને રાહત કાર્યમાં અધિકારીઓને મદદ કરવા વિનંતી કરવામાં આવે છે. આપણે સૌએ સાથે મળીને આ કુદરતી આફતના કઠિન પડકારોનો સામનો કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને પશ્ર્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુક્સાન થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. સૌથી વધુ ૧૧ મોત હિમાચલમાં થયા છે. આ સિવાય યુપીમાં ૮, ઉત્તરાખંડમાં ૬, દિલ્હીમાં ૩, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા છે. હિમાચલના મંડીમાં બિયાસ નદીના વહેણમાં ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો છે. દિલ્હીમાં ૪૧ વર્ષ બાદ જુલાઈમાં એક જ દિવસમાં ૧૫૩ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઉત્તર રેલવેએ ૧૭ ટ્રેનો રદ કરી છે. ૧૨ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા.