નવીદિલ્હી, ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર આતંકવાદથી દુનિયાને આતંક્તિ કરનાર પાકિસ્તાન હવે પોતે જ આતંકવાદનો શિકાર બન્યું છે અને આ વખતે યાદીમાં તે ત્રણ પોઈન્ટ વધીને ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ભારતમાં આતંકવાદમાં ઘટાડો થયો છે અને ભારત એક પોઈન્ટ આગળ વધીને ૧૪માં સ્થાને આવી ગયું છે. વિશ્ર્વમાં આતંકવાદને કારણે મૃત્યુઆંક ૨૨% વધીને ૮૩૫૨ થયો છે, જે ૨૦૧૭ પછીનો સૌથી વધુ સ્તર છે.
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ અનુસાર, વર્ષ ૨૦૨૩માં આતંકવાદી ઘટનાઓમાં ૨૨% ઘટાડો થયો છે, પરંતુ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સરેરાશ સંખ્યામાં ૫૬%નો વધારો થયો છે, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી ખરાબ દર છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩માં આતંકવાદી ગતિવિધિઓ માત્ર કેટલાક દેશોમાં જ કેન્દ્રિત રહી છે. કુલ ૮૭% આતંકવાદ સંબંધિત મૃત્યુ દસ દેશોમાં થયા છે. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં સૌથી મોટો સુધારો ઈરાકમાં નોંધાયો છે, જ્યાં ૨૦૦૭ની ટોચથી આતંકવાદથી થતા મૃત્યુ ૯૯% ઘટીને ૨૦૨૩ સુધીમાં ૬૯ થઈ ગયા છે.
રિપોર્ટ અનુસાર આ વખતે આ યાદીમાં પ્રથમ ચાર દેશોની રેક્ધમાં ધરખમ ફેરફાર થયો છે. ઉદાહરણ તરીકે, બુકના ફાસો આતંકવાદમાં એક સ્થાને ચઢીને નંબર વન પર પહોંચી ગયું છે, જ્યારે બીજા નંબર પર રહેલા ઈઝરાયેલે ૨૪ સ્થાન ઉપર ચઢીને આ સ્થાન મેળવ્યું છે. ત્રીજા નંબર પર માલી છે, જે તેના અગાઉના સ્થાનથી એક રેક્ધ ઉપર આવી ગયો છે. આ પછી, પાકિસ્તાન ચોથા નંબર પર છે, જે તેના પાછલા સ્થાનથી ત્રણ રેક્ધ ઉપર આવી ગયું છે, જ્યારે તેના પાડોશી દેશ ભારતમાં આતંકવાદને લઈને ઘણા કડક પગલાં લેવામાં આવ્યા હતા, જેના કારણે તે એક રેક્ધ નીચે ૧૪માં સ્થાને આવી ગયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩માં થયેલા ભયાનક મૃત્યુ માટે ચાર આતંકવાદી જૂથો ખાસ કરીને જવાબદાર છે. જેમાં ઇસ્લામિક સ્ટેટ, હમાસ, જમાત નુસરત અલ-સલામ વાલ મુસ્લિમ અને અલ શબાબનો સમાવેશ થાય છે. આતંકવાદને કારણે મૃત્યુમાં સૌથી વધુ વધારો ઇઝરાયેલમાં થયો હતો, જે ૨૪ થી વધીને ૧૨૧૦ થયો હતો. ૯/૧૧ પછી સૌથી મોટો આતંકી હુમલો ઈઝરાયેલમાં થયો હતો. રસપ્રદ વાત એ છે કે આ વખતે અફઘાનિસ્તાનમાં આતંકવાદને કારણે મૃત્યુમાં ઘટાડો થયો છે અને ૨૦૧૯ પછી આ પહેલું વર્ષ છે જ્યારે અફઘાનિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં નથી.
વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં આતંકવાદની ૪૯૦ ઘટનાઓ બની હતી જેમાં ૬૮૯ લોકો માર્યા ગયા હતા અને ૧૧૭૩ લોકો ઘાયલ થયા હતા.આ આતંકવાદ પાછળ સૌથી મોટી ભૂમિકા આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચિસ્તાન લિબરેશન આર્મીની હતી. વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં આતંકવાદને કારણે થયેલા ૪૨% મૃત્યુ માટે ટીટીપી જવાબદાર છે. તેના એક આત્મઘાતી બોમ્બરે પેશાવરમાં એક મસ્જિદમાં વિસ્ફોટ કર્યો, જેમાં ૮૪ લોકો માર્યા ગયા અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૨૩નો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ પર અને પછી પાકિસ્તાની સેના પર સૌથી વધુ હુમલા કર્યા હતા.