ગાંધીનગર,
વિકાસ, વિકાસની વાતો કરતી ગુજરાત સરકારમાં હવે ગરીબો પણ વધી રહ્યાં છે. વિક્સીત ગુજરાતમાં ગરીબોને ખાવાના ય ફાંફા પડી રહ્યાં છે. એક વર્ષમાં અમદાવાદમાં મફત અનાજ લેનારા ૭૦ હજાર લોકો વધ્યા છે. એક તરફ, ગુજરાત વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે ત્યારે સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે, અમદાવાદ જેવા શહેરમાં મફત અનાજ લેનારાઓની સંખ્યામાં ૭૦ હજારનો વધારો થયો છે. લોકો લાઈનો લગાવીને આ મફતનું અનાજ લઈ રહ્યાં છે. દિવસે ને દિવસે મફત અનાજ લેવાનો આંક વધતો જાય છે. પહેલાં રાજ્ય સરકારનો આ યોજનામાં હિસ્સો હતો હવે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવાઈ રહી છે. અમદાવાદમાં ૧૭ લાખ લોકો મફત અનાજ મેળવે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ગરીબો વધ્યા છે.
કોરોનાકાળથી શરૂ થયેલી આ યોજનામાં દેશના ૮૦ કરોડ ગરીબોને લાભ મળી રહ્યો છે. આ યોજના આ બજેટમાં પણ વધી છે. સરકારે કોરોનાકાળમાં સતત ૨ વર્ષ ગરીબોને મફત અનાજ આપ્યું છે. આ વર્ષે લોક્સભાની ચૂંટણી હોવાથી સરકારે આ યોજના વધારી છે. આ યોજનાને કારણે સરકારને કરોડો રૂપિયાનો બોજ આવી રહ્યો છે. આ ખર્ચ એ કેન્દ્ર સરકાર આ વર્ષથી ઉઠાવી રહી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ હેઠળ ગરીબોને મફત ઘઉં અને ચોખા આપવામાં આવે છે. આ મામલે નિયમો પણ કડક હોવા છતાં આ લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.
૪૦ચો.ફુટથી ઓછી જમીનમાં મકાન હોય, મહિને ૧૦ હજારથી ઓછી આવક હોય, કેન્સર જેવી ગંભીર બિમારીમાં પિડીત હોય, કોઇ કમાનાર ન હોય, દિવ્યાંગ-સિનિયર સિટીઝન, નિરાધાર વ્યક્તિને આ એક્ટ હેઠળ સમાવેશ કરીને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે. વાઇબ્રન્ટ ગુજરાતનું એક પાસું એવું છે કે અમદાવાદ જેવા મેગા શહેરમાં લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૭,૦૪,૧૫૬ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬,૮૮,૩૨૦ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. ગરીબોને મફત ઘઉં, ચોખા આપવામાં આવે છે.
સરકારે એ આંકડા પણ ગૃહમાં રજૂ કર્યા છેકે, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૩માં મફત અનાજ મેળવનારા લાભાર્થીઓની સંખ્યા વધી છે. આ વર્ષે ૧૮,૦૩૮ પરિવારો વયાં છે. માત્ર અમદાવાદમાં જ નહીં મહેસાણામાં ૪૫૧૨, વલસાડમાં ૪૯૨૪, ભરૂચમાં ૧૦,૧૧૧, ભાવનગરમાં ૧૧,૪૨૫ અને નવસારીમાં ૮૪૮ લોકોનો મફત અનાજ લેનારાઓમાં સમાવેશ કરાયો છે. આ જોતા લાગી રહ્યું છેકે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી રહી છે. સરકાર ભલે વિકાસ વિકાસની વાતો કરતી હોય પણ ગુજરાતમાં વધી રહેલી ગરીબોની સંખ્યા દેખાડે છે કે વિકાસની સાથે ગરીબી પણ વધી રહી છે. આમ ગુજરાતમાં આ બતાવે છે કે અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. અમીર સતત અમીર થઈ રહ્યાં છે અને ગરીબોને બે ટંકના પણ ફાંફા પડી રહ્યાં છે.