
મુંબઇ, વર્ષ ૨૦૧૭માં ફેમિના મિસ ઈન્ડિયા (ત્રિપુરા)નો ખિતાબ જીતનારી રિંકી ચકમાએ દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હતી. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોડલના મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમના નિધનથી ફેન્સ માટે ખૂબ જ દુ:ખ છે. તમને જણાવી દઈએ કે તે લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. થોડાં દિવસો પહેલા તેના મિત્રએ લોકોને ફંડ દાન કરવાની વિનંતી કરતી એક પોસ્ટ શેર કરી હતી.
રિંકી ચકમા બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હતી. નિદાન થયા બાદ તેની સર્જરી પણ કરવામાં આવી હતી. જો કે આ પહેલા તેના શરીરમાં કેન્સર ફેલાઈ ગયું હતું. આ કારણે તેને બ્રેઈન ટ્યુમર પણ થયો હતો. તેમને ૨૨ ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિંકીને મિસ બ્યુટી વિથ અ પર્પઝનો ખિતાબ મળ્યો હતો. રિંકી ૨૦૨૨ થી કેન્સર સામે લડી રહી હતી.
તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને તેમના નિધનની પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પણ કોમેન્ટ સેક્શનમાં તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે.
મોડલ પ્રિયંકા કુમારી અને રિંકીના મિત્રએ થોડા દિવસો પહેલા તેના માટે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લોકોને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમે અમારી મિત્ર રિંકી ચકમા માટે ફંડ એકઠું કરી રહ્યા છીએ. સારવાર ચાલુ રહે તે માટે પૈસા એકત્ર કરવાની જરૂર છે. દાન કરવાનો વિચાર કરો.”