વર્ષ ૨૦૧૫નાં હત્યા અને ખંડણીના કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર, ૫૦ સાક્ષીઓના નિવેદન લેવાયા

લખનૌ, વર્ષ ૨૦૧૫નાં હત્યા અને ખંડણીના કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને દોષિત જાહેર કરાયો છે. વર્ષ ૨૦૧૫માં શહેરના જવેલર્સ પર હત્યાનો પ્રયાસ અને ખંડણીનો તેના પર આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. આ કેસમાં ૫૦ જેટલા સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં ઉત્તરપ્રદેશમાં એક ખાસ ઓપરેશન હાથ ધરીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિશાલ ગોસ્વામી અને તેના સાગરિતોને ઝડપી લીધા હતા. વર્ષ ૨૦૧૫માં જ અમદાવાદના એક જ્વેલર્સની રુપિયા ૫૦ લાખની ખંડણીની માગ અને હત્યા કરાઇ હતી. જે કેસમાં આજે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સી એમ ઝવેરી નામનો જ્વેલર્સનો શો રુમ ધરાવતા મહેશભાઇ રાણપરાની હત્યા કેસમાં વિશાલ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. ૧૨ મે ૨૦૧૪માં મહેશભાઇ રાણપરાને વિશાલ ગોસ્વામીએ લેન્ડલાઇન પર ફોન કરીને ધમકી આપી હતી. હું વિશાલ ગોસ્વામી બોલુ છુ પ્રોકેશન મનીની ૫૦ લાખ રકમ મોકલાવી દો કહીને વિશાલ ગોસ્વામી ફોન પર અપશબ્દો બોલવા લાગ્યો હતો. બીજા દિવસે ફરી વિશાલ ફોન કરીને બીજા ‘પ્રકાશ સોનીની જે સ્થિતિ થઇ તે તારી પણ કરી દઇશ ’ કહીને ધમકી આપી હતી.

થોડા મહિના બાદ ૫ માર્ચ ૨૦૧૫ના રોજ ફરી મહેશભાઇને લેન્ડલાઇન પર ફોન આવે છે, વિશાલ ગોસ્વામી બોલુ છુ એવુ સાંભળતા મહેશભાઇ ફોન કાપી દે છે. છ દિવસ બાદ મહેશભાઈ રાતે શો-રૂમ બંધ કરીને આંબાવાડી પોતાના મકાને કાર લઈને પહોંચે છે ત્યારે રાત્રિના સવા નવેક વાગે બે રાઉન્ડ ફાયરિંગ થાય છે. જેથી મહેશભાઈ ડરીને ઘરમાં પ્રવેશી જાય છે. એક દિવસ બાદ ૧૩ માર્ચના રોજ બપોરે ફોન આવે છે અને કહે છે કે બે દિવસ પહેલા જે ફાયરિંગ થયુ તેમાં બચી ગયો છે. હવે નહીં બચે અને આ જ દિવસે ભાનુ જવેલર્સ ના માલિક પર ફાયરિંગ થાય છે.

મહત્વનું છે કે વિશાલ ગોસ્વામી સામે અમદાવાદમાં ત્રણ હત્યા અને અન્ય રાજ્ય સહિત કુલ ૧૩ હત્યાના કેસ નોંધાયેલા છે. અન્ય ગુનાઓ મળી વિશાલ સામે કુલ ૫૦ ગુના દાખલ છે. તે સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો અને જ્વેલર્સ પાસેથી ખંડણીઓ વસુલ કરતો હતો. અમદાવાદમાં જવેલર્સમાં વિશાલ ગોસ્વામીનો ખૂબ જ ખોફ હતો.