પાકના નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે વળતરની રકમનું વિતરણ પણ શરૂ કરી દીધું છે. પટિયાલા, જાલંધર, લુધિયાણા, પઠાણકોટ, રોપર, મોગા, મોહાલી અને સંગરુર જિલ્લાના ખેડૂતોને 103 કરોડ રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જિલ્લાના ઘણા ગામો હજુ પણ પાણીમાં ડૂબેલા છે.
આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે. પરંતુ આ વખતે પંજાબમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરો પણ જળબંબાકાર થઈ ગયા હતા. જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ વાત એ છે કે પંજાબના મોટાભાગના ખેડૂતોને વધુ વરસાદને કારણે નુકસાન થયું છે. લાખો હેક્ટરમાં ઉગેલો ડાંગરનો પાક બરબાદ થયો હતો. આવી સ્થિતિમાં ખેડૂતોએ ફરીથી ડાંગરની વાવણી કરવી પડી હતી. પરંતુ હવે પંજાબ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.
પંજાબ સરકારે ખેડૂતોને પાકના નુકસાન માટે વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એ કહ્યું છે કે ખેડૂતોને પ્રતિ એકર 6,800 રૂપિયાના દરે વળતર આપવામાં આવશે. આ માટે સરકારે 86 કરોડ રૂપિયાની રકમની પણ જાહેરાત કરી છે. ટૂંક સમયમાં વળતરની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે, જુલાઈ મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં વળતર તરીકે રૂ. 103 કરોડ જારી કર્યા હતા.
આંકડાઓ અનુસાર જુલાઇ મહિનામાં પંજાબમાં સરેરાશ કરતા 44 ટકા વધુ વરસાદ થયો છે. ખાસ કરીને પંજાબના ફરીદકોટમાં 256.2 મીમી અને મોહાલીમાં 472.6 મીમી વધુ વરસાદ નોંધાયો છે. એ જ રીતે પટિયાલા અને રૂપનગરમાં અનુક્રમે 71 ટકા અને 107 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુલાઈ મહિના દરમિયાન તરનતારનમાં 151 ટકા વધુ અને જલંધરમાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે આ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે 6.25 લાખ એકરમાં વાવેલો ડાંગરનો નવો પાક ડૂબી ગયો હતો. આવી સ્થિતિમાં ખેડૂતોએ 2.75 લાખ એકરમાં ડાંગરની રોપણી કરવી પડી હતી.
તમને જણાવી દઈએ કે રવિ સિઝનમાં પણ કમોસમી વરસાદે પંજાબમાં ભારે તારાજી સર્જી હતી. ત્યારબાદ હજારો હેક્ટરમાં ઉગાડવામાં આવેલ ઘઉંનો પાક વરસાદ અને અતિવૃષ્ટિને કારણે નાશ પામ્યો હતો. ત્યારે સરકારે ખેડૂતોને પાકના નુકસાનના બદલામાં વળતર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી ખેડૂતોને કોઈ મદદ મળી નથી.