વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકશાનીનો તાગ મેળવતા જીલ્લા કલેકટર

  • વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના અપાઈ.

સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતાં જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ વરસાદ થકી થયેલા નુકશાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ ઝાલોદ તાલુકામાં આવેલ પંચ ક્રિષ્ના, માંડલી ખુટાના માંડલેશ્ર્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝીટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સંકલનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા, ગરાડુ ગ્રામ પંચાયત તેમજ ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. એ સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઇ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો.

કલેકટએ રોડ – રસ્તાઓની વાત કરતા કહ્યું હતું કે, જે રસ્તાઓને વરસાદના કારણે નુકસાન થયું છે તેનું પેચવર્ક કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે થાય એ માટે પણ સૂચના આપવામાં આવી છે. જે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે.

મુલાકાત વખતે કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. અને નુકસાની માટે જે કઈ ચૂકવવા પાત્ર થતું હોય તે તાત્કાલિક પણે ચૂકવવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી, એ કે ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર, તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.