આજે તૈયાર રહેજો ભારે વરસાદનો સામનો કરવા

ગયા અઠવાડિયાથી શરૂ થયેલું ચોમાસું આ અઠવાડિયે આગળ વધી શકે છે અને મુંબઈ, પાલઘર, થાણે અને રાયગડ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. જોકે અમુક વિસ્તારોમાં જ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ અઠવાડિયે ૧૩૦ એમએમ જેટલો વરસાદ પડી શકે છે, જે હવામાનની દૃષ્ટિએ ચિંતાજનક ન કહી શકાય; પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

હવામાન ખાતાએ આજે પણ ૧૦૦ મિ.મી. જેટલા વરસાદની આગાહી કરી છે.

ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રવિવારે રાતથી ગઈ કાલે સવારના છૂટક-છૂટક વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે સવારના પૂરા થયેલા ૨૪ કલાકમાં મુંબઈમાં પોણાચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આખો દિવસ આકાશ વાદળછાયું રહ્યું હતું અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સવારના સમયે અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાતાં રસ્તામાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.

હવામાન વિભાગની માહિતી મુજબ આગામી પાંચ દિવસ અથવા તો ૨૨ જૂન સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને લીધે સામાન્ય લોકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે પ્રશાસન સાબદું રહે એટલે હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જારી કરી છે.

હળવા વરસાદને પગલે મુંબઈમાં ગરમીમાં ઘટાડો થવાથી મુંબઈગરાઓએ થોડી રાહત અનુભવી છે. ચોવીસ કલાક દરમ્યાન મુંબઈમાં સામાન્યથી -૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે જ્યારે જરૂર છે ત્યારે ફરી એક વાર ડોપ્લર રડાર બંધ છે. કોલાબામાં મૂકવામાં આવેલું એસ-બૅન્ડ ડોપ્લર વેધર રડાર છેલ્લા પાંચ દિવસથી બંધ છે. આવું કંઈ પહેલી વખત નથી થયું. આ પહેલાં ગયા વર્ષે ચોમાસું મુંબઈમાં એન્ટ્રી મારવાનું હતું ત્યારે પણ આ રડાર બંધ હતું.