મુંબઇ,દિગ્ગજ હિન્દી સિનેમા અભિનેતા દિલીપ કુમાર તેમની શ્રેષ્ઠ ફિલ્મો અને મજબૂત અભિનય માટે જાણીતા છે. તેણે મુગલ-એ-આઝમ, દેવદાસ, ક્રાંતિ જેવી ફિલ્મોમાં પોતાની દમદાર અભિનય કુશળતા સાબિત કરી. દરમિયાન, એવા સમાચાર છે કે પાકિસ્તાનમાં સ્વર્ગસ્થ અભિનેતાના પૈતૃક ઘરને તાજેતરમાં વરસાદથી નુક્સાન થયું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં દિવંગત અભિનેતા દિલીપ કુમારનું પૈતૃક ઘર તાજેતરના વરસાદમાં ભારે નુક્સાન થયા બાદ તૂટી પડવાની આરે છે. દિલીપ કુમારનો જન્મ ૧૯૨૨માં પેશાવર શહેરમાં ઐતિહાસિક કિસ્સા ખ્વાની બજારની પાછળ મોહલ્લા ખુદાદાદમાં સ્થિત એક મકાનમાં થયો હતો અને ૧૯૩૨માં ભારત જતા પહેલા તેમના પ્રથમ ૧૨ વર્ષ ત્યાં વિતાવ્યા હતા.
૧૩ જુલાઈ, ૨૦૧૪ના રોજ, દિવંગત અભિનેતાના ઘરને તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા પાકિસ્તાનનું રાષ્ટ્રીય ધરોહર સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. દિલીપ કુમાર એકવાર તેમના ઘરે ગયા અને મિટ્ટીને ભાવનાત્મક રીતે ચુંબન કર્યું. હેરિટેજ કાઉન્સિલ કેપીકેના પ્રાંત સચિવ શકીલ વહિદુલ્લા ખાને જણાવ્યું હતું કે પેશાવરમાં તાજેતરના વરસાદે દિલીપ કુમારના ઘરને ખરાબ રીતે નુક્સાન પહોંચાડ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારે આટલી બધી ગ્રાન્ટનું વચન આપ્યું હોવા છતાં આ રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે એક પૈસો પણ ખર્ચવામાં આવ્યો નથી. મિલક્ત એટલી જૂની છે કે તેને અનામત રાખવાની જવાબદારી સરકારની છે. આર્કાઇવ્ઝ વિભાગના દાવા અખબારી નિવેદનો પૂરતા મર્યાદિત રહ્યા કારણ કે રાષ્ટ્રીય ધરોહરને કુદરતી આપત્તિથી બચાવવા માટે જમીની સ્તરે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. વિશ્ર્વભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ ઐતિહાસિક સંપત્તિની જર્જરિત હાલત જોઈને નિરાશ થયા હતા.