વરસાદના કારણે ત્રીજી વન ડે પણ ધોવાઈ ગઈ, ૪૧ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતને સતત ૨ સીરીઝમાં હાર આપી

મુંબઇ,

કેન વિલિયમ્સનના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડ ટીમે વનડે સીરીઝ ૧-૦થી જીતી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચમાં કીવી ટીમ સારી સ્થિતિમાં હતી, પણ વરસાદના કારણે આ મેચ પણ રદ થઈ ગઈ. આ અગાઉ કીવી ટીમે પ્રથમ મેચમાં પણ ૩૦૦થી વધારે રન બનાવીને જીત પ્રાપ્ત કરી હતી. બીજી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. તો વળી ટી ૨૦ સીરીઝ ટીમ ઈંડિયાએ ૧-૦થી જીતી હતી. આવી જ રીતે ન્યૂઝીલેન્ડે ટી ૨૦ સીરીઝમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ત્રીજી વન ડેમાં ભારતીય ટીમ પહેલા રમતા ફક્ત ૨૧૯ રન જ બનાવી શકી હતી. વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે ૫૧ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે વરસાદના કારણે રમત અટકી ત્યાં સુધીમાં ૧૮ ઓવરમાં એક વિકેટ પર ૧૦૪ રન બનાવી લીધા હતા. ડેવોન કોનવે ૩૮ અને વિલિયમ્સન ૦ પર નોટઆઉટ રહ્યા.

ન્યૂઝીલેન્ડે વન ડે સીરીઝ જીતવાની સાથે જ ૪૧ વર્ષ જૂના રેકોર્ડને ફરીથી વાગોળ્યો છે. કીવી ટીમે ભારત વિરુદ્ધ સતત બીજી વન ડે સીરીઝ જીતી. ગત સીરીઝમાં તેણે ૩-૦થી જીત મળી હતી. આ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ૧૯૮૧માં આ રેકોર્ડ બનાવ્યો હતો. ટાર્ગટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમના બેટ્સમેન ડેવોન કોનવે અને ફિન એલેને સારી શરુઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૬.૩ ઓવરમાં ૯૭ રનની ભાગીદારી કરી હતી. એલને ૫૪ બોલમાં ૫૭ રન બનાવીને ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો શિકાર થયો. તેણે ૮ ચોગ્ગા અને ૧ છગ્ગો લગાવ્યો હતો.

આ અગાઉ ભારતીય ટીમ બેટ્સમેનના લચર પ્રદર્શનના કારણે અંતિમ વન ડેમાં ૪૭.૩ ઓવરમાં ૨૧૯ રન પર સમેટાઈ ગઈ હતી. અડધી ટીમ ૨૫.૩ ઓવરમાં પેવેલિયન પાછી ફરી હતી. વોશિંગ્ટન સુંદર ૬૪ બોલમાં ૫૧ રન, ૫ ચોગ્ગા અને ૧ છગ્ગોથી અર્ધશતકીય ઈનિંગ્સ રમી શક્યો. જેના કારણે ટીમ ૨૦૦ રનનો સ્કોર પાર કરી શકી. આ સ્પિન ઓલરાઉંન્ડરે પ્રથમ વન ડેમાં ભારતની ૭ વિકેટ પર ૩૦૬ રનની ઈનિંગ્સમાં ૧૬ બોલમાં નોટઆઉટ ૩૭ રન બનાવીને પોતાની શક્તિનો પરચો આપી દીધો હતો. તે આઉટ થનારો અંતિમ ખેલાડી હતો.

Don`t copy text!