તાજતેરમાં કચ્છમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાએ કચ્છને બાનમાં લીધું છે. લખપત તાલુકાનાં બેખડા ગામે એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત થવા પામ્યા હતા. વરસાદમાં ભીંજાયા બાદ ત્રણેય યુવાનોને ન્યૂમોનિયા થયો હતો. જે બાદ ત્રણેય યુવકોને સારવાર અર્થે ભુજ અને અમદાવાદ ખસેડાયા હતા. તેમ છતાં પણ ત્રણેય યુવાનોને બચાવી શકાયા ન હતા. ત્રણેય યુવાનોનાં મોતનાં સમાચાર સાંભળતા જ તેઓનાં મામાનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું. માત્ર ૮૦૦ ની વસ્તી ધરાવતા ગામમાં ૪ જનાઝા ઉઠતા સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
આ સમગ્ર બાબતે બેખડા ગામનાં આગેવાન આરબ જાતે જણાવ્યું હતું કે ગામનાં શકુર મામદ જત, તેમનાં કાકા મુસ્તાક લુકમાન જત અને ૧૮ વર્ષીય જુણસ મામદ જત થોડા દિવસ પહેલા પડેલ વરસાદ દરમ્યાન પશુઓ સાથે ગામનાં સીમાડે ગયા હતા. વરસાદમાં તેઓ પલળ્યા હતા. જે બાદ તેઓને તાવ આવ્યો હતો. જે બાદ તેઓએ પ્રથમ ગામમાં જ પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતું તેઓની હાલત વધુ ગંભીર બનતા તેઓને વધુ સારવાર અર્થે ભૂજ તેમજ અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં રિપોર્ટ કઢાવતા તેઓને ન્યૂમોનિયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેઓનાં ફેફસામાં પણ ઈન્ફેક્શન ફેલાઈ જવા પામ્યું હતું. જેથી બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. તેમજ ત્રીજો યુવક જુણસને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં ગુરૂવારે સવારે તેનું પણ મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ગામમાં એક જ પરિવારનાં ત્રણ યુવાનોનાં આકસ્મિક મોત નિપજ્યાનાં સમાચાર સમગ્ર ગામમાં વાયુ વેગે પ્રસરી જતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે આ સમાચાર યુવકનાં મામા જત સલેમાન લાણાને મળતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. જે બાદ તેઓની પણ તબીયત લથડતા તેઓને પણ સારવાર અર્થે ભૂજ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું પણ મોત થયું હતું. ત્યાર અચાનક જ એક જ પરિવારનાં ચાર આશાસ્પદ સભ્યોનાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.