ફરીદાબાદ, ફરીદાબાદમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ફરીદાબાદના વિનયનગરમાં જે ઘરેથી યુવતીની લગ્ન કરીને વિદાઈ કરવાની હતી, તે જ ઘરેથી યુવતીની અર્થીમાં વિદાઈ થઇ હતી. સોમવારે યુવતીના લગ્ન હતા, પરંતુ તેણી એક રોડ અકસ્માતનો ભોગ બની હતી અને આ અકસ્માતમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં યુવતી સહિત તેના ભાઈઓ અને એક સહેલીને ગંભીર ઈજાઓ થઇ હતી. જેમને દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, વિનય નગરની અંક્તિાના સોમવારે લગ્ન હતા. લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી હતી. વરરાજા જાન લઈને આવવાની તૈયારીમાં જ હતા અને આ દરમિયાન અકસ્માત થયો હતો.
અંક્તિાના માસા મિથલેશ કુમારે જણાવ્યું કે, યુવતીનો ભાઈ સુમંક્તિ અને કાકાનો છોકરો નિશાંત કુમાર તેમજ તેની એક સહેલી અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બધા જ વિનય નાગરથી તેની કાકીના ઘરે લગ્ન પહેલાં હિન્દૂ રીતિ રિવાજ અંતર્ગત થતા પૂજા પાઠ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સેક્ટર ૩૭ બાયપાસ રોલ પર ઉભેલા ટ્રક સાથે તેમની કાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ચારેય જણા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા અને અંક્તિાને ઘણી ઇજા થઇ હતી. જેને લઈને બધાને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન જ અંક્તિાનું મોત નીપજ્યું હતું. તેમજ બાકીના બધા જ ઇજાગ્રસ્તોને દિલ્હીના ટ્રોમા સેન્ટર ખાતે ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અંક્તિાના કાકા સિયારામ સિંહે જણાવ્યું કે, તેમની ભત્રીજી અંક્તિાના આજે લગ્ન હતા. અંક્તિા તેના માતાપિતા સાથે મોલ્ડબંદમાં રહેતી હતી. અંક્તિા એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી હતી. અંક્તિા અને તેમનો પરિવાર મૂળ બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી હતા. પરંતુ આજે રોડ અકસ્માતમાં અંક્તિાનું મૃત્યુ થઇ ગયું. હાલ અંક્તિાના શબનું પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસ દ્વારા તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. સિયારામ સિંહે જણાવ્યું કે, જો ટ્રક રસ્તામાં ન ઉભો હોત તો અકસ્માત ન થતો. હાલ પોલીસે કેસ દાખલ કર્યો છે.