વારંવાર ઠપ્પ થઈ જતી સંસદનો એક મિનિટનો ખર્ચ ૨.૫ લાખ રૂપિયા : સંસદમાં ૨૦૨૧ની મડાગાંઠને કારણે કરદાતાઓને ૧૩૩ કરોડ રૂપિયાનું નુક્સાન થવાનો અંદાજ હતો.

નવીદિલ્હી,
સોમવારથી શુક્રવાર સુધી સંસદની કાર્યવાહી મણિપુર મુદ્દે વારંવાર હંગામાથી ઠપ થઈ ગઈ હતી. સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ રહી. બંને ગૃહોમાં ભારે હોબાળો અને નારાબાજી થઈ હતી. વિપક્ષના સાંસદો કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા. સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખીને આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા અને કેન્દ્રને સહકાર આપવા જણાવ્યું હતું. આવી સ્થિતિમાં વારંવાર સંસદ ઠપ્પ થવાને કારણે કેટલું નુક્સાન થઈ રહ્યું છે તે પ્રશ્ર્ન છે. જાણો સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ કેટલો છે અને વર્તમાન સ્થિતિ કેવી છે.

ચોમાસુ સત્ર પહેલા સંસદમાં ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલતું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોક્સભામાં સત્રની કાર્યવાહી માટે ૧૩૩.૬ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ ગૃહની કાર્યવાહી માત્ર ૪૫.૯ કલાક જ ચાલી. જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી માટે ૧૩૦ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કાર્યવાહી માત્ર ૩૨.૩ કલાક જ ચાલી.

અહેવાલ મુજબ બજેટ સત્રના પહેલા છ મહિનામાં એક પણ બિલ પસાર થયું નથી. છેલ્લા ૫ વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટ સત્રની કાર્યવાહીની હાલત સૌથી ખરાબ હતી.પીઆરએસના સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ ૧૭મી લોક્સભાનું છેલ્લું વર્ષ છે. અત્યાર સુધી માત્ર ૨૩૦ દિવસની કાર્યવાહી ચાલી રહી છે. સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તમામ લોક્સભામાંથી, ૧૬મી લોક્સભામાં સૌથી ઓછા બેઠક દિવસો (૩૩૧) હતા. કાર્યકાળમાં વધુ એક વર્ષ બાકી હોવાથી અને વર્ષમાં સરેરાશ ૫૮ દિવસની બેઠક હોવાથી, ૧૭મી લોક્સભા ૩૩૧ દિવસથી વધુ ચાલે તેવી શક્યતા નથી. તે ૧૯૫૨ પછી સૌથી ટૂંકા સમયની લોક્સભા બની શકે છે.

આ મુદ્દે સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, સમગ્ર બજેટ સત્ર દરમિયાન લોક્સભાની એકંદર ઉત્પાદક્તા ૩૪ ટકા નોંધાઈ હતી, જ્યારે રાજ્યસભામાં આ આંકડો ૨૪.૪ ટકા હતો. તે જ સમયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અયક્ષ જગદીપ ધનખરે ગૃહની ઉત્પાદક્તા માત્ર ૨૪.૪ ટકા હોવાનો અંદાજ મૂક્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ૨૦૨૨માં લોક્સભામાં કુલ ૧૭૭ કલાક અને રાજ્યસભામાં માત્ર ૧૨૭ કલાક કામ થયું હતું. જ્યારે ૨૦૨૧માં આ આંકડો લોક્સભા માટે ૧૩૧.૮ કલાક અને રાજ્યસભા માટે ૧૦૧ કલાક હતો.

અહેવાલમાં લોક્સભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યએ સંસદ ચલાવવાનો ખર્ચ ૨.૫ લાખ રૂપિયા પ્રતિ મિનિટ જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમાં વીજળી, પાણી, પેટ્રોલ, ખાદ્યપદાર્થનું બિલ, સંસદની સુરક્ષા, સાંસદનો પગાર-ભથ્થું, સુરક્ષા ગાર્ડ અને અહીંના વિવિધ ભાગોમાં કામ કરતા લોકોને આપવામાં આવતો પગાર સામેલ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચમાં બજેટ સત્રમાં માત્ર છ દિવસમાં સંસદમાં મડાગાંઠના કારણે ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સંસદમાં ૨૦૨૧ની મડાગાંઠને કારણે કરદાતાઓને ૧૩૩ કરોડ રૂપિયાનું નુક્સાન થવાનો અંદાજ હતો.