લખનૌ,
ઉત્તરપ્રદેશના લખનઉમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન કરી રહેલી શિવાંગી નામની દુલ્હનનું અચાનક મોત થઈ ગયું હતું. દુલ્હાએ તેને વરમાળા પહેરાવી હતી, આ પછી અચાનક તેને ચક્કર આવતાં તે સ્ટેજ પરથી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. તેને નજીકના હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જોકે ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સે શિવાંગીનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું.શુક્રવારે રાત્રે લખનઉના ભદવાનાના રહેવાસી રાજપાલની પુત્રી શિવાંગીનાં લગ્ન હતાં. છોકરીનાં પરિવારજનો વરઘોડો આવવાની રાહ જોતાં હતાં. મોડી રાત્રે આ છોકારાનો વરઘોડો આવ્યો હતો. બધી જ વિધિ પૂરી થયા પછી વરમાળાની વિધિ થાય છે. જેમાં આ વિધિ પૂરી થતાં જ શિવાંગી નામની દુલ્હન સ્ટેજ પરથી ચક્કર આવતાં પડી જાય છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિવાંગીની લગ્નના ૧૫-૨૦ દિવસ પહેલાં તબિયત ખરાબ થઈ હતી. તેને સખત તાવ આવતો હતો. તેણે ડોક્ટરને બતાવતા તેમણે જણાવ્યું હતું કે શિવાંગીને લો બ્લડપ્રેશર છે. જોકે આ પછી શિંવાગી ઠીક થઈ ગઈ હતી. પરંતુ લગ્નના દિવસે તેની તબિયત ફરી લથડી હતી. તેને મલિહાબાદ હેલ્થ સેન્ટર લઈ ગયાં હતાં, જ્યાં ચેક કરવા પર તેનું બ્લડપ્રેશર ફરી લો આવ્યું હતું. તેને દવા આપી હતી, જેના કારણે તેને ફરી ઠીક થતાં ઘરે લઈ ગયાં હતાં. આ પછી રાત્રે વરમાળા પહેરાવ્યા પછી તેનું મોત થયું હતું.
દુલ્હનનું મોત થતાં બન્ને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તેના મોતથી થોડી મિનિટોમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. છોકરીનાં પરિવારજનોની રોઈ-રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે.શિવાંગીનાં મોત પછી બન્ને પક્ષનાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. શનિવારે પરિવારજનોએ શિવાંગીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. શિવાંગીનાં પરિવારજનોએ આ વાતની જાણ પોલીસને કરી નહોતી. આ મામલે બન્ને પક્ષોનું કહેવું છે કે આમાં તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી થાય તેવું ઇચ્છતા નથી.