
નવીદિલ્હી, વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય એકનાથ ખડસેને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એકનાથ ખડસેને ચાર અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા કૉલ કરવામાં આવ્યા હતા.વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને આ રીતે કૉલ આવતાં જ તેઓએ મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર નેતા એકનાથ ખડસેને અત્યાર સુધીમાં ચારથી પાંચ ધમકીભર્યા ફોન આવી ચૂક્યા છે. એકનાથ ખડસેને આ બધા જ કૉલ અલગ-અલગ નંબર પરથી આવ્યા હતા. જેમાં તેઓને મારી નાખવાની ધમકી સુદ્ધાં આપવામાં આવી હતી. એવી માહિતી છે કે વિદેશમાંથી આ તમામ કૉલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જે કૉલ આવ્યો હતો તે અમેરિકાથી આવ્યો હોવાનું કહેવાય છે. અમેરિકામાંથી આ રીતે ધમકીભર્યો કૉલ આવ્યા બાદ એકનાથ ખડસેએ જલગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
જોકે, આ રીતે ધમકીનાં કૉલ શા માટે કરવામાં આવ્યા છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ એકનાથ ખડસેએ કહ્યું કે છેલ્લા બે દિવસથી તેમને છોટા શકીલના નામનો ઉલ્લેખ કરીને અજાણ્યા ફોનથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સાથે જ ખડસેએ અનુમાન લગાવ્યું હતું કે આ કોલ વિદેશમાંથી આવ્યો હોઇ શકે છે, અને પોલીસ હવે તેની તપાસ કરી રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર એક કૉલમાં એમ કહેવાયું હતું કે અમે તમને જણાવી રહ્યા છીએ કે દાઉદ છોટા શકીલ ગેંગ તમને મારવા જઈ રહી છે. તો બીજી વાર આવેલ કૉલમાં જણાવાયું હતું કે કે અમે તમને જણાવ્યું છતાં તમે કોઈ પગલું ભર્યું નથી.
ભાજપના ભૂતપૂર્વ નેતા અને હાલમાં રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવારની પાર્ટીમાં જોડાયેલા નેતા એકનાથ ખડસે ફરીથી સ્વગૃહે ફરે તેવા એંધાણ છે ત્યારે થોડા દિવસો પહેલા એકનાથ ખડસેએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, મારી કટોકટી દરમિયાન મને ટેકો આપવા માટે હું શરદ પવારનો ૠણી છું, પરંતુ હવે મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, ત્યારે એકનાથ ખડસે સ્વગૃહે પરત ફરશે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ વચ્ચે હવે આ રીતે ધમકીભર્યો કૉલ મળતા જ વાતાવરણ તંગ બન્યું છે.