વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. તંત્ર હજુ પહોંચ્યું નથી ત્યાં દિવ્ય ભાસ્કર ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.
વડોદરામાં ભયજનક સપાટીએ વહી રહેલી વિશ્વામિત્રી નદીના પટ પાસે આવેલું સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં સ્થિતી અંગે ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, હાલમાં સસલા વર્ગના પ્રાણીને ખસેડવામાં આવ્યા છે. જો જરૂરિયાત જણાશે તો અન્ય શાહુડી વર્ગના પ્રાણીઓને ખસેડવાની જરૂર પડશે. હાલમાં પાણી આવે તેવી સ્થિતિ જણાતી નથી, પરંતુ જો આવશે તો તે માટે અમે પૂરતી વ્યવસ્થા કરી છે અને હાલમાં કામગીરી છે.
ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરાયા
- વડોદરા કોર્પોરેશન હેલ્પલાઈન- 1800 233 0265
- ફ્લડ કંટ્રોલરૂ- 0265 242592
- NDRF હેલ્પલાઈન- 9711077372
- એનિમલ હેલ્પલાઈન વી કેર- 9409027166
ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમ દ્વારા 49 લોકોને બચાવાયા