વરધરી-વિરપુર વિભાગ લેઉઆ પાટીદાર સમાજ, અમૂલ ડેરી અને પંચમહાલ ડેરીના સંયુક્ત ઉપક્રમે લાલસર મુકામે ખેડૂતો અને પશુપાલકો માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું

મલેકપુર, લુણાવાડાના લાલસર સ્થિત સમાજઘર ખાતે વરધરી – વિરપુર વિભાગ લેઉઆ પાટીદાર સમાજ, અમૂલ અને પંચમહાલ ડેરીના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો અને પશુપાલકો માટે ખૂબ ઉપયોગી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પશુ પાલક અને ખેડૂતને કૃષિ અને દૂધ ઉત્પાદન વધારી આર્થિક રીતે સદ્ધર બનવા મદદ રૂપ બને તેમજ રાસાયણિક ખાતરને લઇ થતાં જમીન અને ખેતર ના નુકશાનને અટકાવવાના આશય થી કૃષિ પશુપાલક ગોબરના વ્યવસ્થાપનનું મહત્વ તેના ખાતરનું મહત્વ ગોબર ગેસ પ્લાન્ટની માહિતી તેમજ તેના માટે સરકાર તરફ થી મળતી સહાયની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સેમીનારમાં ખેડૂતોને કૃષિ ઉત્પાદન તથા દુગ્ધ ઉત્પાદન વધારવા માટે રાખવાની જરૂરી કાળજીઓની માહિતી ડો. યોગેશભાઈ (અમૂલ ડેરી) અને ડો. જોશી (પંચમહાલ ડેરી) દ્વારા આપવામાં આવી.

આ પરિસંવાદમાં ડો કિશોરભાઇ પટેલ (એન.ડી.ડી.બી.) દ્વારા ગોબરના વ્યવસ્થાપન અને તેની મૂલ્ય વર્ધન શૃંખલા થકી ગોબરગેસ પ્લાંટ્સ માંથી ઉપલબ્ધ થતી સ્લરી માંથી NDDB Mrida Ltd દ્વારા તૈયાર કરવામાં આવતા ‘સુધન’ બ્રાન્ડના ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ અને તેની ખેતીમાં અગત્યતાની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

એસ.પી. ઇકો કંપનીના માલિક સંજયભાઈ દ્વારા શરૂઆતના ગોબરગેસ પ્લાન્ટસના મોડલસના પ્રશ્ર્નોને ધ્યાને લઇ વધુ કાર્યક્ષમ અને ઓછા ખર્ચે તૈયાર કરી શકાય તેવા ફ્લેક્સી પ્રકારના મોડલસના સંશોધનની રસપ્રદ માહિતી તથા આ પ્લાન્ટસ્ લગાવવાથી પશુપાલકોને થતા ફાયદાઓની જાણકારી આપવામાં આવી. સરકારની ગોબરધન જેવી યોજનાઓ થકી મળતા લાભ વિશે પણ માહિતી આપવામાં આવી. આ પરિસંવાદ દ્વારા ખેડૂતો અને પશુપાલકોમાં દુગ્ધ વ્યવસાયની સાથે સાથે ગોબરના કાર્યક્ષમ પ્રબંધનની ઉપયોગીતાની સમજ અને ગોબર ગેસના પ્લાન્ટસ્ ઊભા કરવા તથા ગોબરગેસ સ્લરીમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરોનો ખેતીમાં ઉપયોગ કરવા બાબતે જાગૃતતા લાવવામાં આવી. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ખેડૂત-પશુપાલકોએ લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઘટકના સેક્રેટરી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રમુખ એસ.એલ.પટેલ દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે સેક્રેટરી દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો.