વારાણસીને ૧૭૮૦ કરોડની ભેટ : ’કાશી, ટીબી સામે વૈશ્ર્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે ’: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વારાણસી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય પ્રવાસ પર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ અહીં ૧૭૮૪ કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમાં આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વારાણસી એરપોર્ટ પર રાજ્યના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદી કાશીમાં લગભગ પાંચ કલાક રોકાયા હતાં આ દરમિયાન વડાપ્રધાન વિશ્ર્વ ટીબી દિવસ પર વારાણસીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ’વન વર્લ્ડ ટીબી સમિટ’ પર આધારિત ત્રણ દિવસીય કોન્ફરન્સનું સૌપ્રથમ ઉદ્ઘાટન કર્યુ છે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારને આશરે રૂ. ૧,૭૮૪ કરોડની યોજનાઓ ભેટમાં આપી છે.

ટીબી દિવસના અવસર પર વડાપ્રધાન મોદી વારાણસીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સંસ્થા ’સ્ટોપ ટીબી પાર્ટનરશિપ’ દ્વારા આયોજિત ’વન વર્લ્ડ ટીબી સમિટ’ને પણ સંબોધિત કરી હતી. તે દેશભરમાં સંક્ષિપ્ત ટીબી પ્રિવેન્શન ટ્રીટમેન્ટ (ટીપીટી)ના સત્તાવાર લોન્ચ તરીકે ટીબી-મુક્ત પંચાયતો અને ક્ષય રોગ માટે કુટુંબ-કેન્દ્રિત સંભાળ મોડેલ સહિત સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. આ પ્રસંગે તેઓએ ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ ૨૦૨૩ પણ બહાર પાડ્યો હતો.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરી હતી. પીએમએ કહ્યું કે, કાશી ટીબી સામેના વૈશ્ર્વિક સંકલ્પને નવી ઉર્જા આપશે. તાજેતરમાં, ભારતે વન અર્થ વન હેલ્થનું વિઝન વધારવા પહેલ કરી છે. ૨૦૧૪ થી, ભારતે નવી વિચારસરણી અને અભિગમ સાથે ટીબી સામે કામ કરવાનું શરૂ કર્યું, જે અભૂતપૂર્વ છે. ભારતનો આ પ્રયાસ આજે સમગ્ર વિશ્ર્વને જાણવો જોઈએ કારણ કે તે ટીબી સામેની લડાઈનું એક નવું મોડેલ છે.

વડાપ્રધાન આ રોગને સમાપ્ત કરવામાં તેમના યોગદાન માટે પસંદગીના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓનું પણ સન્માન કરશે. માર્ચ ૨૦૧૮માં રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત ’એન્ડ ટીબી’ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ ૨૦૨૫ સુધીમાં ટીબી સંબંધિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને નિર્ધારિત કરતાં પાંચ વર્ષ આગળ હાંસલ કરવા હાકલ કરી હતી. આ સમિટમાં આ અંગે વધુ વિચાર કરાશે.

છેલ્લા નવ વર્ષમાં પીએમ મોદીએ વારાણસીના કાયાકલ્પ કરવા અને શહેર અને તેની આસપાસ રહેતા લોકો માટે જીવન સરળ બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં રૂ. ૧,૭૮૦ કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તેઓ વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવેનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૬૪૫ કરોડ રૂપિયા હશે. રોપ-વે સિસ્ટમ પાંચ સ્ટેશનો સાથે ૩.૭૫ કિમી લાંબો હશે. આનાથી પ્રવાસીઓ, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે અવરજવર સરળ બનશે.

વડાપ્રધાન ભગવાનપુર ખાતે નમામિ ગંગે યોજના હેઠળ ૫૫ એમએલડી ગટર શુદ્ધિકરણ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. જેનું નિર્માણ રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. તેઓ ખેલો ઈન્ડિયા યોજના હેઠળ સિગરા સ્ટેડિયમના પુન:નિર્માણ કાર્યના બીજા અને ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો

બનારસ એરપોર્ટ પર નવા એટીસી ટાવરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેના કારણે ભવિષ્યમાં એરપોર્ટનું વિસ્તરણ કરવાનું સરળ બનશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ કાશીમાં થઈ રહેલા કામથી સુવિધાઓમાં પણ વધારો થશે. અહીં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની નાની-નાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે.