વારાણસી ટેમ્પલ એક્સપો:કાશી મંદિરની આવક ૩૦૦ ટકા તો વારાણસીનો જીએસટી ૩૫ ટકા વધ્યો, દર્શનાર્થી ૫.૫ કરોડ વધ્યા

વારાણસી નગરીનો વૈદિક કાળથી ચમત્કાર મેનેજમેન્ટના કારણે ડિજિટલ યુગમાં પણ દોહરાવાયો છે. વિશ્વના કેટલાય દેશો ટુરિઝમના કારણે તેમની ઇકોનોમી જાળવતા હોય છે. ભારત ધાર્મિક વિવિધતાનો દેશ હોવા છતાં હિન્દુ ધર્મના લોકોની બહુમતી હોવાના કારણે મંદિરોનો દેશ પણ ગણાય છે. તેમાં પણ બનારસ હિન્દુ ધર્મનું મુખ્ય ધર્મસ્થાન છે.

અનેક આક્રાંતાઓના આક્રમણ બાદ પણ કાશીનું ધાર્મિક મહત્ત્વ જેમનું તેમ છે. જોકે કાશી વિશ્વનાથના મંદિરના જીર્ણોદ્ધાર પછી જે રીતે મંદિરની આવક, શ્રદ્ધાળુઓને સગવડ, શહેરની ઇકોનોમી અને પ્રવાસન ઉદ્યોગ વધ્યા છે તે જોતાં દેશભરનાં મંદિરો આ નવી મેનેજમેન્ટની રાહ પર ચાલે તો તેઓ પણ આવો ચમત્કાર કરી શકે છે. એક અંદાજ મુજબ રિનોવેશન બાદ ગત વર્ષની રૂા. 25 કરોડની આવક આ વર્ષે રૂા. 100 કરોડની નોંધાઇ છે. એક વર્ષમાં આવકમાં 300 ટકાનો બમ્પર વધારો થયો છે.

વારાણસીમાં યોજાયેલા અભૂતપૂર્વ ટેમ્પલ એક્સપોમાં કાશી વિશ્વનાથ મંદિરના સીઇઓ ડો.સુનિલ કુમાર વર્માએ પોતાના પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ વારાણસીના આ વિખ્યાત મંદિરના પરિસરમાં સુધારા કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરના રિનોવેશનના પ્રોજેક્ટનો ખર્ચ રૂા. 400 કરોડ છે. દર્શનાર્થીઓ અગાઉ પરિસરમાં માંડ એક હજાર સમાઇ શકતા હતા.

આજે 50 હજાર લોકો એકસાથે સરળતાથી દર્શન કરે છે. કેટલીક મિનિટ વિશ્વનાથ બાબાના સાંનિધ્યમાં રોકાય પણ છે.’ આ ઉપરાંત યાત્રીઓ જે અગાઉ દર્શન કરીને જતા રહેતા હતા, તે હવે વારાણસીમાં લાંબો સમય રોકાતાં હોટેલોમાં પણ બુકિંગ ફુલ જ રહેતાં થતાં તેની આવકમાં પણ વધારો થયો છે. પૂજા-અભિષક ઉપરાંત પણ લોકોની ખરીદી વધી છે. આ રિનોવેશન અંતર્ગત મંદિરની આસપાસની 4 હેક્ટર જમીનમાંથી મકાનો, ઇમારતો, ઘરો હટાવવાં પડ્યાં હતાં.

મુખ્ય મંદિરની આસપાસનાં 45 જેટલાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં મંદિરો અને 145 જેટલા વિગ્રહો (જે ઇમારતોના બખોલમાં હતાં)ને પણ સુરક્ષિત કરવામાં આવ્યાં હતાં. અગાઉ યાત્રીઓને નાસ્તો કે અન્ય જરૂરિયાતો માટે પરિસર બહાર નીકળવું પડતું હતું. હવે પરિસરમાં જ બધી સુવિધાઓ ઉપલબ્ધ રહે છે. વધુ પગથિયાં હોય ત્યાં એસ્કેલેટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી છે.

પરિસરને વિસ્તૃત કરતા જે વેપારીઓને ખસેડાયા હતા, તેમને પણ મંદિર સાથે સાંકળી લેવામાં આવ્યા છે. સીઇઓ ડો. વર્માએ ભાસ્કર સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, મંદિરના રિનોવેશન બાદ આવક રૂા. 25 કરોડથી વધીને હવે 100 કરોડ સુધી થઇ ગઇ છે. આ રિનોવેશનના એક વર્ષ બાદ અમે જ્યારે તેની અસરનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું તો જાણ થઇ કે, વારાણસી શહેરમાં જીએસટીની આવકમાં પણ 35 ટકાનો વધારો થયો છે.

કાશી વિશ્વનાથ મંદિરના રિનોવેશન બાદ વ્યાપક અસર થઇ છે. આ અસર આર્થિક જ નહીં સામાજિક પણ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. રિનોવેશન પહેલાં વર્ષે 1.5 કરોડ શ્રદ્ધાળુઓ આવતા હતા. ગત વર્ષના આંકડાઓ જોતાં 7 કરોડ આવ્યા હતા. આગામી વર્ષોમાં આ સંખ્યા વધીને 10 કરોડ પણ થઇ શકે છે. મંદિરમાં જે પરચૂરણ આવે છે તે અમે સીધું બેંકમાં જ જમા કરીએ છીએ.’