વારંવાર રોડ તૂટવા એ ગંભીર બાબત’, અમદાવાદ મનપાની નીતિ વિરૂદ્ધ હાઇકોર્ટના સવાલ

  • અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.

અમદાવાદ,રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદાને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની નીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, રોડ નવા બનાવ્યા છતાં વારંવાર રોડ તૂટવા એ ગંભીર બાબત છે. ગંભીર મામલામાં આવી બાબતોને લઈને સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ.

હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરતા કહ્યું હતું કે, આ ગંભીર બાબતનો નિકાલ અને ઉકેલ ખૂબ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે મનપાને આગામી સુનાવણીમાં સોગંદનામાની સાથે ચોક્કસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. મહત્વનું છે કે, હાઈકોર્ટમાં આ મામલે વિગતવાર સુનાવણી આગામી શુક્રવારના રોજ હાથ ધરાશે. અરજદારે શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોરના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. તૂટેલા રોડ રસ્તા, રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સ્થિતિ વિકરાલ બની રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે. જેથી તંત્રએ પાછીપાની કરી છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ કામ લાવવામાં આવ્યું અને તે પણ મંજુર કરવાની બદલે પરત મોકલવામાં આવ્યું હતું. રખડતા ઢોર માટેની પોલિસી માટેની દરખાસ્ત કમિશનરને પરત મોકલવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને આથી જ આ કામ પરત મોકલવામાં આવ્યું છે. આમ જે રીતે કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસીનું કામ પરત મોકલવામાં આવ્યું છે તે જોતા એવું કહી શકાય કે હજુ પોલિસીના અમલીકરણને લાંબો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમો લાગુ કરાયા હતા.