
હર ઘર તિરંગા યાત્રાને લઈને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભાજપ દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં યાત્રા કરવામાં આવી છે. ભાજપના યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં સહભાગી થયા હતા.

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વરાછા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય અને દેશભક્તિના ગીત સાથે બાઈક રેલી નીકળી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશ અને વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં રેલી નીકળતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
વરાછા બાદ કતારગામ વિધાનસભામાં પણ મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપના કાર્યકર્તા હાથમાં તિરંગો લઈને નીકળ્યા હતા. કતારગામ ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી તિરંગા યાત્રા કાન્તારેશ્વર મહાદેવ મંદિરે આવીને પૂર્ણ થઈ હતી. સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ કંતારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તિરંગા યાત્રાને પૂર્ણ જાહેર કરી હતી.