સ્યુસાઈડ ઝોન તરીકે પ્રચલીત બનેલા પારડી પાર નદીના પુલ પરથી આજે શુક્રવારે સવારે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. ચંદ્રપુરના તરવૈયા અને લોકોએ હાથ ધરેલા રેસ્કયુમાં સગીરવયના પુત્રને બચાવી લીધો હતો. જયારે મહિલાને તરવૈયાઓએ પાણીમાંથી બહાર કઢાયા બાદ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે મહિલાનું મોત થયું હતું. થોડા દિવસ અગાઉ પતિના અવસાન થયા બાદ વિરહમાં આવી જઈ આ પગલું ભર્યુ હોવાનું અનુમાન લગાવાયું છે
પારડી હાઈવે પરથી પસાર થતી પારનદીના પુલ પરથી આજે શુક્રવારે સવારે મહિલા અને સગીરવયના તરૂણે મોતની છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. બાદમાં ચંદ્રપુરના માંગલા લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યો અને લોકોએ હાથ ધરેલી રેસ્કયુમાં તરૂણને બચાવી બહાર કાઢયો હતો. જયારે મહિલા પાણીમાં ગરક થઈ જતાં હાથ ધરેલી શોધખોળ દરમિયાન મહિલાને પાણીમાંથી બહાર કાઢયા બાદ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જો કે મહિલાનું મોત થયું
ઘટનાની જાણ થતાં પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તરૂણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં મહિલાની ઓળખ વાપીના બલીઠા ગામે રહેતી સુરેખાબેન નિલેશભાઈ ભંડારી (ઉ.વ.46) અને તરૂણની ઓળખ મીત નિલેશભાઈ ભંડારી (ઉ.વ.15) તરીકે થઈ હતી. માતા-પુત્રના આ પગલાને લઈ લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ નિલેશ ભંડારીનું અવસાન થયા બાદ પરિવાર પર શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. માવિધી પૂર્ણ થયા બાદ પત્ની સુરેખા અને પુત્ર સાથે પતિના વિરહમાં પારડી પારનદીના પુલ પર જઈ મોતની ક્લાંગ લગાવી હોવાનું અનુમાન લગાવાયું છે. સ્યુસાઈડ ઝોન બનેલા પુલ પરથી સમયાંતરે આ પ્રકારની ઘટના બનવા છતાં વહીવટી તંત્રના અધિકારોઓ બેફિકર બની રહ્યો છે. ઘટનાઓ બનવા છતાં પણ પુલ પર જાળું અન્ય સલામતીના પગલા નહીં ભરાતા આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે.