વાપીમાં પિતા સગી દીકરીને બનાવતો હતો હવસનો શિકાર

વાપી, શહેરમાંથી સંબંધોને શરમમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. વાપીનાં એક ધનાઢ્ય પરિવારમાં એક પિતા જ તેની સગી દીકરી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો હતો. આ દીકરીએ અંતે કંટાળીને આ તમામ હકીક્ત માતાને જણાવી દીધી હતી. જે સાંભળીને માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. આ અંગેની ફરિયાદ હાલ માતા અને દીકરી દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

આ દીકરીના હેવાન પિતા ઉદ્યોગપતિ છે. આ પરિવાર મૂળ મારવાડી છે અને તે હાલ વાપીમાં રહે છે. આ પરિવારનું ભાગીદારીમાં ઔધૌગિક એકમ પણ છે. પૈસે ટકે સારા પરિવારમાંથી આ કિસ્સો સાંભળતા પોલીસ પણ એક્સમયે સ્તબ્ધ થઇ ગઇ હતી. ઉદ્યોગપતિની દીકરી જ્યારે ૧૩ વર્ષની હતી ત્યારથી આ હેવાન પિતા પુત્રીને લાલચ આપીને આ કૃત્યની શરૂઆત કરી હતી. જે બાદ પિતા એકલતાનો લાભ લઇને આ કૃત્ય કરતો હતો.

જેમ દીકરી મોટી થતી હતી તેમ તેમ તેને પિતા દ્વારા પોતાની સાથે થતા કૃત્યની ખબર પડવા લાગી હતી. જોકે, એક દિવસ તેણે હિંમત કરીને તમામ વાતો માતાને કહેતા આખો ભાંડો સામે આવ્યો હતો. આ વાત સામે આવતા આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

માતા સાથે દીકરીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જઇને આ અંગેની ફરિયાદ કરી છે. હાલ પોલીસે પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.