વર્લ્ડકપમાં ભારતના શાનદાર પ્રદર્શન વચ્ચે ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું વિશાળ સ્ટેચ્યુ વાનખેડે સ્ટેડીયમમાં મુકીને તા.1 નવેમ્બરે અનાવરણની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સચીન તેંદુલકરને આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માનિત કરવામાં આવશે.
સચીન તેંડુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જેનું અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે. જે માટે અત્યારથી જ તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ વાત છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ 2 નવેમ્બરે વાનખેડે ખાતે રમાવાની છે. સચીન તેંડુલકરની આ પ્રતિમા બનાવવાનું કામ અહમદનગરના શિલ્પકાર પ્રમોદ કાંબલીને સોંપવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમમાં સચિનની પ્રતિમા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વર્લ્ડકપ 2023 દરમિયાન શ્રદ્ધાંજલિ તરીકે માસ્ટ બ્લાસ્ટરની પ્રતિમા સ્થાપિત કરાશે જે લગભગ 14 ફૂટ ઉંચી બનાવવામાં આવશે. આ વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટીમમાં સચીન પણ સામેલ હતો. ટીમ ઈન્ડિયાએ 2011 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. વિશ્વ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેને 51 ટેસ્ટ અને 49 વનડે સદી ફટકારી છે. સચિને ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 30,000થી વધુ રન પણ બનાવ્યા છે.