વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાને કારણે રેલવેને ૫૫.૬૦ લાખનું નુક્સાન થયું છે : રેલ્વે મંત્રી

નવીદિલ્હી, ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે ૨૦૧૯થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને ૫૫ લાખ રૂપિયાથી વધુનું નુક્સાન થયું છે. રેલવે મંત્રીએ લોક્સભામાં એક પ્રશ્ર્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.

લોક્સભામાં જવાબ આપતા રેલવે મંત્રીએ કહ્યું કે પથ્થરમારામાં સામેલ ૧૫૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ મુસાફરોને જાનહાની કે કોઈ મુસાફરના સામાનની ચોરી કે કોઈપણ પ્રકારના નુક્સાનની ઘટના સામે આવી નથી. તેમણે માહિતી આપી હતી કે વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ (જૂન સુધી) દરમિયાન ભારતીય રેલવેને પથ્થરમારાની ઘટનાઓમાં વંદે ભારત ટ્રેનોને થયેલા નુક્સાનને કારણે ૫૫.૬૦ લાખ રૂપિયાનું નુક્સાન થયું છે.

રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું કે લોકોને મુસાફરોની સુરક્ષા અને બર્બરતા સામે જાગૃત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઓપરેશન સાથી ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના રેલવે ટ્રેકને અડીને આવેલા વસ્તીવાળા વિસ્તારોમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં આરપીએફ, જીઆરપી અને જિલ્લા પોલીસ, સિવિલ એડમિનિસ્ટ્રેશન જવાબદારી સંભાળી રહ્યા છે.

રેલવે મંત્રીએ કહ્યું કે ચાલતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓને કાબૂમાં લેવા માટે લેવામાં આવનાર કાર્યવાહી અંગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ ઘટનાઓનું વિશ્લેષણ કર્યા બાદ આ ઘટનાઓને રોકવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે તોફાની તત્વો સામે પણ નિયમિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરપીએફ દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે.

નોંધપાત્ર રીતે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતના મોટાભાગના રાજ્યોમાં ચલાવવામાં આવી રહી છે. આગામી વર્ષોમાં દેશના તમામ રૂટ પર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વંદે ભારત સ્લીપર કોચ પણ લાવી રહી છે, જેનો કોચ હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે.