સુરતના ડુમસની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ જેવું જ કૌભાંડ વલસાડમાં સામે આવ્યું છે. વલસાડમાં ભાજપ નેતાને કહેવાતો ફાયદો કરાવવા માટે ૩.૮૦ કરોડ રૂપિયાનો બ્રિજ અને ૮૦ લાખ રૂપિયાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાનાં વિવાદિત પ્રકરણવાળી જમીન સરકાર હસ્તક કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી તત્કાલીન ઈન્ચાર્જ કલેક્ટર એવા નિવાસી અધિક કલેક્ટર (એડીએમ) અને કૃષિ પંચનાં મામલતદારનાં મેળાપીપણામાં મૂળ માલિકના નામે કરી હતી. આ જમીન ભાજપ નેતાના પરિવારને વેચી દઈ સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી છે. આ પ્રકરણમાં સરકારે હાઈકોર્ટમાં કરેલી રિવિઝન અરજીનો કેસ પેન્ડિંગ હોવાં છતાં પણ આ જમીનમાં બ્રિજ તેમજ પ્રોટેક્શન વોલ બનાવી આપતાં નવો વિવાદ ઊભો થયો છે.
આ સમગ્ર કૌભાંડ ૯-૭-૨૦૧૨થી ૫-૯-૨૦૧૨નાં બે મહિના દરમિયાન જ્યારે વલસાડ કલેક્ટરની જગ્યા ખાલી હતી. ત્યારે ભૂમાફિયાઓએ ઇન્ચાર્જ કલેક્ટર એવા એડીએમ જગદીશ ગઢવી સાથે મળી પાર પાડયું હતું. તત્કાલીન કલેક્ટર લક્ષ્મણ સી. પટેલનો કાર્યકાળ ૬-૭-૨૦૧૧થી ૫-૭-૨૦૧૨ સુધીનો હતો. જ્યારે તેમની જગ્યાએ આવેલા કલેક્ટર રૂપવંતસિંધનો કાર્યકાળ ૬-૯-૧૨થી શરૂ થયો હતો. જ્યારે ઇન્ચાર્જ કલેક્ટર જગદીશ ગઢવીએ કૃષિ પંચનાં મામલતદારને ૩-૯-૨૦૧૨માં પત્ર દ્વારા મૂળ માલિકનાં વારસદારોના નામ દાખલ કરવા હુકમ કર્યો હતો એટલે કે નવાં કલેક્ટર ચાર્જ લે તેનાં બે દિવસ પહેલા જ આ હુકમ કરાવી ભૂમાફિયાઓએ પોતાનો ખેલ કરી દીધો હોવાનું સ્પષ્ટ થાય છે.
વલસાડના વશીયર ગામે આવેલી સર્વે નં.૫૧,૫૨ ૩ એકર ૧૨ ગુંઠા અને સર્વે નં.૫૨/ ૧૦ એકર ૩ ગુંઠા જમીન હાલ બ્લોક/સર્વે નં.૩૬૮ વાળી આશરે ૬ વિધા જમીનના મૂળ માલિક સ્વ. ઠાકોર ડાયા મોદી હતા. તેમણે ૨૬-૦૩-૧૯૬૯માં આ જમીન શામળાજી ગિરધારી કંપનીને વેચી હતી, જે ભાગીદારી પેઢી છે. પરંતુ બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ, ૧૯૪૮ની કલમ ૬૩ મુજબ આ કંપની ખેડૂત ન હોવાથી મામલતદાર અને છન્, વલસાડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શામળાજી ગિરધારી કંપની ગુજરાતમાં નહીં પણ કર્ણાટક રાજ્યમાં ખેતીની જમીન ધરાવતી હતી અને તેથી કલમ ૬૩નો ભંગ થયો હતો. જેથી ટેનન્સી એક્ટ અને ઠાકોર ડાયા મોદી દ્વારા શામળાજી ગિરધારી કંપનીની તરફેણમાં કરાયેલું જમીનનું ટ્રાન્સફર અમાન્ય માનવામાં આવ્યું હતું. આ કિસ્સામાં જમીન ખરીદનારે ૨૦-૦૧-૧૯૭૯ના રોજ ચોક્કસ નિવેદન આપ્યું હતું કે, તે આ પ્રશ્ર્નમાં અને જમીનના સંદર્ભમાં મૂળ સ્થિતિ પુન:સ્થાપિત કરવા તૈયાર ન હતા. જેથી
આ જમીન ૨૦-૦૧-૧૯૭૯માં સરકાર હસ્તક દાખલ કરી હતી. જેની સામે શામળાજી ગિરધારી કંપનીએ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. પરંતુ તેને કોર્ટે ફગાવી દીપી હતી. જેથી આ જમીન સરકારી ચોપડે ૧૯૭૯થી ૨૦૧૩ સુધી સરકારનાં નામે હતી. હાઈકોર્ટનો હુકમ સહિત તમામ રેકોર્ડ હોવાં છતાં ૧૯૭૮માં અપાયેલાં હુકમ સામે કલમ ૬૩નો અમલ કર્યા વગર તત્કાલીન ઇન્ચાર્જ કલેક્ટર એવા એડીએમ જગદીશ કે. ગઢવી અને કૃષિ પંચનાં મામલતદાર સુશ્રી નયકીતા એન. પટેલના કહેવાતાં મેળાપીપણામાં મૂળ માલિક ઠાકોર મોદીનાં પુત્ર હર્ષદ મોદીએ કલેક્ટરને ૩-૯-૨૦૧૨માં અરજી કરીને જમીન માલિક હયાત નથી અને વારસદારને જમિન પરત કરવાં માંગ કરી હતી.
આ પહેલેથી જ ગોઠવાયા મુજબ તત્કાલીન એસડીએમ જગદીશ ગઢવીએ અરજીના દિવસે જ ૩-૯-૨૦૧૨માં કૃષિ પંચનાં મામલતદારને વારસોને મિલક્ત પરત કરવાં હુકમ કર્યો હતો. ૮-૮-૨૦૧૩માં કૃષિ પંચનાં મામલતદાર સુશ્રી નયકીતા એન. પટેલે વિવાદિત જમીનમાં ૮૪-ક (૨) મુજબ વારસો હર્ષદ મોદી અને તારાબેન ઠાકોર મોદીની તરફેણમાં કાયદા સામે હુકમ કર્યો હતો. જેથી તેમના નામ જમીનમાં દાખલ થયા હતા. ત્યારબાદ આ જમીન વિમળાબેન પ્રેમજી ભાનુશાલીને રજીસ્ટ્રાર દસ્તાવેજ નં.૩૯૯૧, ૯-૭-૨૦૧૫ના રોજ વેચી દેવામાં આવી હતી.
આ વિમળાબેન વલસાડ ભાજપના નેતા હર્ષદ કટારીયાના સાસુ થાય છે. આ દરમિયાન સરકાર હસ્તકની જમીનમાં મૂળ માલિકોના વારસદારોના નામ દાખલ કરવાના થયેલા હુકમની જાલ વર્ષ ૨૦૧૮માં નવા આવેલા કલેક્ટર અને હાલમાં વલસાડ જિલ્લાના સચિવ રૈમ્યા મોહનને થઈ હતી. તેમણે કૃષિ પંચનાં મામલતદારને આ હુકમ હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવાં સૂચના આપતા અરજી કરાઈ હતી. જોકે, ૨૭-૬-૨૦૧૮માં આખરી નિકાલ થાય ત્યાં સુધી હુકમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ હાઈકોર્ટે ૩-૧-૨૦૨૨ના રોજ આખરી હુકમ કરી ગુજરાત રેવન્યું ટ્રિબ્યુનલનો ૫-૧૦-૨૦૧૯નો હુકમ, ડેપ્યુટી કલેક્ટર વલસાડનો ૧૧-૮-૨૦૧૪નો હૂકમ અને કૃષિ પંચના મામલતદારનો ૮-૮-૨૦૧૩નો હુકમ રદ કર્યો હતો. આ હુકમ સામે વિમળાબેન ભાનુશાલીએ લેટર પેટન્ટ અપીલ કરી હતી. જેમાં ડિવિઝન બેન્ચ દ્વારા એવું તારણ જણાવાયું કે, વિમળાબેનને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં પક્ષકાર તરીકે જોડવામાં આવેલ ન હોવાથી ૨૩-૩-૨૦૨૨ સ્ટેટસક્વૉનો હુકમ કરવામાં આવ્યો હાલ લેટર આખરી હુકમ માટે પેન્ડીંગ છે.