વલસાડના બાલદામાં ધોરણ-11ના વિદ્યાર્થીને ચોથા માળેથી મિત્રે ધક્કો માર્યો, લિફ્ટના પેસેજમાં જીવતો લાગ્યો તો રોડાં માર્યા

વલસાડમાં પારડી તાલુકાના બાલદા ITI પાછળની એક બંધ કન્સ્ટ્રક્શન સાઈડમાં હત્યાનો બનાવ બન્યો હતો. ધોરણ 11ના વિદ્યાર્થીની તેના મિત્રએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મૃતક સગીરના ઘર નજીકના CCTV ફૂટેજ ચેક કરતાં બીજો સગીર સાથે જતો દેખાયો હતો. મૃતક વિદ્યાર્થીના મોબાઈલની સ્ક્રીન તોડી દેતા તે રૂ.1500ની માગ કરતો હતો. ઘરે જઈને તેણે સગીરની મમ્મીને કહી દેતા તેને માર માર્યો હતો. દરમિયાન સગીરે મૃતકના જન્મદિવસના અગાઉના દિવસે રૂ. 200 આપવાનું કહીને સાથે લઈ ગયો હતો અને બિલ્ડિંગના ચોથા માળની લિફ્ટના પેસેજથી ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ નીચે ઉતરીને તેણે જીવતો હોવાની શંકા રાખીને તે મર્યો નહીં ત્યાં સુધી ઈંટોના ટૂકડા માર્યા હતા.

ઉપરથી નીચે ફેંક્યો નીચે આવીને ઈંટો મારી વલસાડ SP કરનરાજ વાઘેલાએ કેસ ઉકેલાયા બાદ માહિતી આપી હતી કે, સગીરની હત્યા કરનાર તેનો જ મિત્ર હોવાનું ખૂલ્યું છે, ધોરણ 11નો વિદ્યાર્થીએ મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ હતી. જેથી તે 1500 રૂપિયા વારંવાર માંગતો હતો. ગયા સોમવારે મરણજનાર બાળકના ઘરે ગયો હતો અને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે. એટલે તેના મમ્મીએ તેને ખૂબ જ માર માર્યો હતો. બનાવના દિવસે 27મી નવેમ્બરે મૃતક બાળકે કહ્યું હતું કે, તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને 1500 રૂપિયા આપ નહીં તો હું તારી મમ્મીને ફરી કમ્પ્લેન કરી તને માર ખવડાવીશ. એ માર માર્યો અને ખાધો હતો એની બીકે તથા એના પર ગુસ્સો હતો, એ એને લઈ ગયો હતો. 200 રૂપિયા મેં બિલ્ડિંગમાં સંતાડ્યા છે. એ તને અપાવું છું, એમ કહીને તેને બિલ્ડિંગ લઈ ગયો હતો અને તેને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ નીચે ઉતર્યો હતો અને એને લાગ્યું કે તે મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એને મારવાનું ચાલુ કર્યુ હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં, ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. 27મીએ બાળક નીકળ્યો તેના થોડા કલાકોમાં જ બનાવ બન્યો હતો.

બાલદામાં રહેતા શ્રમિક પરિવાર રહે છે. 17 વર્ષીય અતુલ યોગેન્દ્રભાઈ સેન 27મી નવેમ્બરના રોજ સવારે વોક કરવા જાવ છું કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ અતુલ ઘરે પરત ન ફરતાં પરિવારના સભ્યોએ અને સ્થાનિક અગ્રણીઓએ અતુલની શોધખોળ હાથ ધરી હતી. 29મી નવેમ્બરે પારડીના બાલદા ITI પાછળ આવેલી બંધ કન્સ્ટ્રક્શન સાઈડ ઉપરના ગ્રાઉન્ડ ફ્લોરના લિફ્ટના પેસેજમાંથી ઇંટોની નીચે દબાયેલી હાલતમાં અતુલ સેનની લાશ મળી હતી. પરિવારના સભ્યોને અતુલની હત્યા થયેલી હાલતમાં લાશ મળતાં તાત્કાલિક પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવાની તજવીજ હાથ ધરી છે. 28મી નવેમ્બરે અતુલનો જન્મ દિવસ હતો. પારડી પોલીસની ટીમે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ઘટનાની જાણ થતાં વલસાડ SP, DySP, LCB અને SOG સહિત જિલ્લાની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

પારડી પોલીસે સમક્ષ પરિવારના સભ્યોએ અતુલ સેનની હત્યા થઈ હોવાની આશંકા દર્શાવી હતી. જેથી પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી સુરત FSLમાં પેનલ PM કરાવ્યું હતું. પેનલ PMના પ્રાથમિક રિપોર્ટમાં અતુલ સેનને માથાના ભાગે તથા મોઢાના ભાગે થયેલી ઇજાઓને લઈને મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. જેના આધારે પારડી પોલીસની ટીમે PM રિપોર્ટના આધારે અતુલની હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

પારડી પોલીસની ટીમે અતુલ સેનના ઘર નજીકના CCTV ફુટેજ ચેક કરાવતા 27 નવેમ્બરની સવારે અતુલ મોર્નિંગ વોક કરવા ગયો, ત્યારે રસ્તામાં પારડીની DCO શાળામાં જ અભ્યાસ કરતા સગીર તેને મળ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સગીરને બોલાવી પ્રાથમિક પૂછપરછ કરતાં અતુલ સેનના મોબાઈલનું ડિસપ્લે તેના મિત્રના હાથેથી તૂટી ગયું હતું.

25મી નવેમ્બરના રોજ અતુલ તેના મિત્રના ઘરે જઈ તેની માતાને ફરિયાદ કરી તેના મોબાઈલના ડિસપ્લેના રૂ. 1500 આપવા માંગ કરી હતી. જેને લઈને તેના મિત્રને માર પડ્યો હતો અને અતુલ વારંવાર સગીર પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. જેનાથી કંટાળીને સગીરે અતુલને સવારે બંધ કન્સ્ટ્રક્શન સાઈડના ચોથા માળે રૂપિયા સંતાડી મૂક્યા હોવાનું જણાવી અતુલની તેના જન્મ દિવસના આગલા દિવસે બોલાવ્યો હતો. ચોથા માળે અતુલ સાથે રૂપિયા આપવા બાબતે ઝઘડો થયા બાદ સગીરે લિફ્ટના પેસેઝમાં અતુલને ધક્કો મારી હત્યા કરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ચેક કરતા અતુલ જીવતો હોવાનો વહેમ જતાં નજીકમાં આવેલા ઇંટના ટૂકડા મોઢાના ભાગે તથા માથાના ભાગે ભરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ DySP એ. કે. વર્માના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમે સગીરને ડિટેન કરી પારડી પોલીસને સોંપ્યો છે. પારડી પોલીસે સગીરને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે.