
વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે નરાધમને પોલીસે ઝડપી લીધો છે. આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10 હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતિય હોવાની શક્યતાને જોતાં પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી. પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી. જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી.
આ દરમિયાન રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને GRP ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોપ્યો હતો. જ્યાં પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો. આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોઇ પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી. જોકે, રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૂળ હરિયાણાનો અને હાલમાં રખડતો-ભટકતો શકમંદ યુવકે તેમના બાળપણમાં એટલે કે જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે સાઇકલની પ્રથમ ચોરી કરી હતી. ત્યારબાદ તે ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચઢી ગયો હતો. ખાસ કરીને રાત્રિએ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાદાટ સામાનની ચોરી કરતો હતો. આરોપીને પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10 હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે, આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.